કઈ સરકારી બચત યોજના પર મળશે ‘Tax Benefit’ અને કઈ સ્કીમ છે ‘Tax Free’ ની બહાર? રોકાણ કરતા પહેલાં આટલું જાણી લો
સરકારી નાની બચત યોજનાઓ (Small Savings Schemes) સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે બેસ્ટ ઓપ્શન છે. આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે, કઈ સ્કીમમાં રોકાણ કરવાથી તમને ટેક્સમાં છૂટ (Tax Benefit) મળશે અને કઈ સ્કીમમાં નહીં?

સરકારની નાની બચત યોજનાઓ સુરક્ષિત રોકાણ, નક્કી કરેલા વળતર અને સરકારી ગેરંટીના કારણે રોકાણકારોમાં લોકપ્રિય છે. આમાંથી ઘણી યોજનાઓમાં રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. જો કે, તમામ યોજનાઓ આ સુવિધાના દાયરામાં આવતી નથી.
સરકાર હાલમાં પીપીએફ (PPF), રાષ્ટ્રીય બચત પત્ર (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) અને બીજી નાની બચત યોજનાઓ ચલાવે છે. એવામાં રોકાણ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે, કઈ યોજના પર ટેક્સ છૂટ મળશે અને કઈ યોજના પર નહીં?
કઈ યોજનાઓ પર મળશે ‘Section 80C’ નો લાભ?
આ યોજનાઓમાં કરવામાં આવેલું રોકાણ આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ માટે પાત્ર છે:
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
- સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
- રાષ્ટ્રીય બચત પત્ર (NSC)
- વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
- 5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ યોજના (મુદ્દતી થાપણ)
કઈ યોજનાઓ પર નહીં મળે ‘ટેક્સ લાભ’?
આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા પર કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળતો નથી:
- કિસાન વિકાસ પત્ર (KVP)
- પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (માસિક આવક યોજના – MIS)
- 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ
- પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (આવર્તી થાપણ – RD)
રિપોર્ટ અનુસાર, આ યોજનાઓમાં સરકારી સુરક્ષા અને આકર્ષક વ્યાજ મળે છે પરંતુ રોકાણની રકમ પર કલમ 80C હેઠળ કપાત (Deduction) નો દાવો કરી શકાતો નથી.
સેક્શન 80C હેઠળ કેટલો લાભ મળે છે?
સેક્શન 80C હેઠળ કરદાતા પોતાની કુલ ટેક્સેબલ આવકમાંથી મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે. આ કપાત કરપાત્ર આવકમાંથી કરવામાં આવે છે, ટેક્સની રકમમાંથી નહીં. આ મર્યાદા તમામ પાત્ર રોકાણ અને ચૂકવણીને મળીને કુલ 1.5 લાખ રૂપિયા સુધી જ લાગુ થાય છે.
રિપોર્ટ અનુસાર, કલમ 80Cનો લાભ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) પસંદ કરનારા કરદાતાઓને જ મળે છે. નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) અપનાવનારા કરદાતાઓ આ છૂટ માટે પાત્ર નથી.
નાની બચત યોજનાઓના વ્યાજ દર (Small Savings Scheme Interest Rate)
- સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) – 8.2 ટકા
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) – 7.1 ટકા
- રાષ્ટ્રીય બચત પત્ર (NSC) – 7.7 ટકા
- કિસાન વિકાસ પત્ર (KVP) – 7.5 ટકા
- વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) – 8.2 ટકા
- પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (MIS) – 7.4 ટકા
- પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતું) – 4.0 ટકા
- 1 વર્ષની મુદતી થાપણ (FD) – 6.9 ટકા
- 2 વર્ષની મુદતી થાપણ (FD) – 7.0 ટકા
- 3 વર્ષની મુદતી થાપણ (FD) – 7.1 ટકા
- 5 વર્ષની મુદતી થાપણ (FD) – 7.5 ટકા
- 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) – 6.7 ટકા
