સ્વિગી-બ્લિંકિટને મળશે ખરી ટક્કર ! ટાટાનું બિગ બાસ્કેટ હવે ’10 મિનિટ ફૂડ ડિલિવરી’ સર્વિસ લાવશે
ટાટા ગ્રુપની બિગ બાસ્કેટ 2026 સુધીમાં દેશભરમાં 10 મિનિટની ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરશે. બેંગલુરુમાં પાયલોટ પ્રોજેક્ટ પછી કંપની 2025 સુધીમાં 1200 ડાર્ક સ્ટોર્સ સાથે સ્વિગી અને ઝેપ્ટોને ટક્કર આપશે.

ભારતમાં ક્વિક કોમર્સનું બજાર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. દરેક વ્યક્તિ ઘરે બેઠા બધી જરૂરી ચીજવસ્તુઓ મંગાવે છે. ઘણી કંપનીઓ પહેલેથી જ આ ક્વિક કોમર્સ બજારમાં પોતાની છાપ છોડી ચુકી છે. જો કે, હવે ટાટા ગ્રુપની કંપની બિગ બાસ્કેટે પણ ક્વિક કોમર્સમાં ધાક જમાવવા માટેની યોજના બનાવી છે.
કંપનીના સહ-સ્થાપક વિપુલ પારેખે જણાવ્યું કે, બિગ બાસ્કેટ નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં દેશભરમાં 10 મિનિટની ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરશે. આ સર્વિસ 7100 કરોડ રૂપિયાના ક્વિક કોમર્સ બજારમાં સ્વિગી, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવી કંપનીઓને ટક્કર આપશે.
નવા ગ્રાહકોને આકર્ષવાની યોજના
રોયટર્સના રિપોર્ટ મુજબ, બિગ બાસ્કેટનું લક્ષ્ય ઝોમેટો અને સ્વિગી જેવા હાલના ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના ગ્રાહકોની સાથે-સાથે નવા ગ્રાહકોને આકર્ષવાનું પણ છે. પારેખે કહ્યું કે, કંપની આ સર્વિસ માટે ડાર્ક સ્ટોર્સનો ઉપયોગ કરશે. ડાર્ક સ્ટોર્સ નાના વેરહાઉસ જેવા છે, જે વધુ વસ્તીવાળા વિસ્તારોમાં બનાવવામાં આવે છે. અહીંથી ડિલિવરી પાર્ટનર (ટુ-વ્હીલર રાઈડર્સ) ગ્રાહકોને માલ સામાન તેમજ ખાવાનો ઓર્ડર પહોંચાડશે.
ડાર્ક સ્ટોર્સની સંખ્યા 1000 થી 1200 સુધી
ભારતમાં 2011માં ઓનલાઈન કરિયાણાની ડિલિવરી શરૂ કરનાર બિગ બાસ્કેટ હાલમાં 700 ડાર્ક સ્ટોર્સ ચલાવે છે. કંપની 2025ના અંત સુધીમાં ડાર્ક સ્ટોર્સની સંખ્યા 1000 થી 1200 સુધી વધારવાની યોજના બનાવી રહી છે. ગયા મહિને બેંગલુરુમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ નવી ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી.
શું બિગ બાસ્કેટ શેરબજારમાં લિસ્ટ થશે?
પારેખે વધુમાં કહ્યું કે, ટાટા ગ્રુપના સમર્થનને કારણે કંપની પાસે પૂરતી મૂડી છે. બિગ બાસ્કેટ આગામી 18-24 મહિનામાં શેરબજારમાં લિસ્ટ થવા માટેની તૈયારી કરી રહી છે. બિગ બાસ્કેટની સર્વિસમાં સ્ટારબક્સ કોફી અને ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સની ફૂડ કંપની ‘Qmin’ના પ્રોડક્ટસનો પણ સમાવેશ થશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ બહારના રેસ્ટોરન્ટ સાથે ભાગીદારી કરશે નહીં.