સુરતની અસ્સલ ઓળખ ટેક્સ્ટાઇલ ડાયમંડ કરતા પણ પહેલા જરી ઉધોગની છે. આ ઉધોગ સુરતનો સૌથી જૂનો છે. મૂળ સુરતીઓ પણ આ ઉધોગ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને પરાંપરાગત રીતે તેને ચલાવતા આવ્યા છે. જોકે આજે આ ઉધોગ મરણપથારીએ આવીને પડ્યો છે. ખાસ કરીને કોરોના પછી આ ઉધોગ અને તેની સાથે સંકળાયેલા લોકો સાથે મરણતોલ ફટકો બની ગયો છે.
સુરતની ઓળખ સમાન આ જરી ઉદ્યોગ હાલ બદલાતી ફેશન અને વધતી મોંઘવારીના કારણે પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. સુરતના જરી ઉધોગકારોને આશા હતી કે કોરોનાની બીજી લહેર બાદ જરીની ડિમાન્ડ વધશે. પરંતુ તેવું નથી થયું. જરી ઉદ્યોગકારોની આશા પર પાણી ફરી વળ્યું છે.
છેલ્લા બે મહિનામાં જરીના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. જેની સામે વેચાણ પાંચ ટકા પણ વધ્યું નથી. અન્ય રાજ્યોના વેપારીઓ જરીને વધેલી કિંમત પર ખરીદવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે રિટેલ માર્કેટ હાલ ખુબ નબળું છે. સુરતમાં બનનારી જરીની સૌથી વધારે ડિમાન્ડ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, વગેરે રાજ્યોમાં છે. આ ઉપરાંત બનારસ, પંજાબ અને દિલ્હીમાં પણ તેની માંગ રહેતી હોય છે.
જરી નો ઉપયોગ સાડીમાં વેલ્યુ એડિશન તરીકે કરવામાં આવે છે. આ પ્રકારની સાડીઓની સૌથી વધારે ડિમાન્ડ દક્ષિણના રાજ્યોમાં રહે છે. જોકે હાલ અન્ય રાજ્યોના વેપારીઓનું કહેવું છે કે કોરોના ના કારણે લોકોની નોકરી છૂટી ગઈ છે, પગાર ઘટી ગયો છે, અથવા તો બીમારી કે અન્ય કોઈ ખર્ચને કારણે તેઓની ખરીદશક્તિ પણ ઘટી ગઈ છે. જેથી તેઓ વધારે ખર્ચ કરવાથી બચી રહ્યા છે.
તેવામાં રિટેલ વેપારીઓને જયારે સુરતના વેપારીઓ વધેલી કિંમત વિષે જણાવે છે ત્યારે વેપારી માલ ખરીદવાથી ઇન્કાર કરી દે છે. આવ સ્થિતિમાં ગ્રાહકો જાળવી રાખવા માટે સુરતના વેપારીઓ ઓછા લાભથી કે કોઈપણ લાભ લીધા વગર પણ માલ વેચી રહ્યા છે.
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરીના પ્રમુખના જણાવ્યા પ્રમાણે કોપરમાં 25 ટકા, પોલિયેસ્ટર યારતનમાં 20 ટકા, પરિવહન ખર્ચમાં 5 ટકા અને કારીગરોના વેતન-મજૂરોમાં 10 ટકા વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર જરીના ભાવ પર પડી છે. જરીની તમામ ક્વોલિટીમાં 15 ટકા ભાવ વધારવા પડ્યા છે. પણ તેની સામે ખરીદદારો 5 ટકા પણ વધારે ભાવ ચૂકવી નથી રહ્યા.
આ પણ વાંચો :