હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ (Hetero Pharma Group) પર તાજેતરના દરોડા બાદ આવકવેરા વિભાગે 550 કરોડ રૂપિયાની “બેનામી” આવક શોધી કાઢી છે અને 142 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. તેવો સુત્રો દ્વારા શનિવારે દાવો કરાયો છે. હાલમાં કંપનીના અધિકારીઓ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી મળી નથી. 6 ઓક્ટોબરના રોજ આવકવેરા વિભાગે લગભગ છ રાજ્યોમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન ઘણા બેંક લોકર શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 16 કાર્યકારી સ્થિતીમાં હતા. અત્યાર સુધી દરોડામાં 142.87 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં શોધી કાઢવામાં આવેલી બિનહિસાબી આવક લગભગ 550 કરોડ રૂપિયા છે. સત્તાવાર સૂત્રોએ તેને હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્મા જૂથ સાથે જોડાયેલુ ગણાવ્યું છે. CBDT એ કહ્યું કે વધુ તપાસ ચાલુ છે. CBDT આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે ગ્રુપ ફાર્માસ્યુટિકલ ઘટકો (API) વગેરેના ઉત્પાદનનો વ્યવસાય કરે છે અને મોટાભાગના ઉત્પાદનો અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં અને કેટલાક આફ્રિકન અને યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
સીબીડીટીએ દાવો કર્યો હતો કે “બોગસ અને અસ્તિત્વ ધરાવતી સંસ્થાઓમાંથી કરવામાં આવેલી ખરીદીમાં વિસંગતતા અને ખર્ચની અમુક વસ્તુઓના કૃત્રિમ ફુગાવા સંબંધિત મુદ્દાઓ શોધી કાવામાં આવ્યા હતા. આ સિવાય જમીન ખરીદવા માટે નાણાં ચૂકવ્યાના પુરાવા પણ મળ્યા હતા.
કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમ કે કંપનીના ખાતાઓમાં વ્યક્તિગત ખર્ચ લખાઈ રહ્યો હતો અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત ‘સરકારી નોંધણી મૂલ્યથી નીચે’ હોવાનું નોંધાયું હતું. કંપની પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં હિસાબના ચોપડા અને રોકડનું અન્ય બંડલ મળી આવ્યું હતું.
સીબીડીટીએ જણાવ્યું હતું કે “ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, દસ્તાવેજો વગેરેના રૂપમાં ગુના સાબિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને જૂથ દ્વારા બનાવેલા એસએપી અને ઈઆરપી સોફ્ટવેરથી ડિજિટલ ‘પુરાવા’ એકત્ર કરવામાં આવ્યા હતા.” હેટરો જૂથ ઘણા કરારો પર હસ્તાક્ષર કરવા અને કોવિડ -19ની સારવાર માટે રેમડેસિવીર અને ફેવિપીરાવીર જેવી વિવિધ દવાઓના વિકાસમાં સામેલ હોવાના કારણે ચર્ચામાં હતું. હેટેરો ગ્રુપ ભારત, ચીન, રશિયા, ઈજિપ્ત, મેક્સિકો અને ઈરાનમાં 25થી વધુ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે.
આ પણ વાંચો : SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ