MONEY9: ખાદ્ય તેલ (EDIBLE OIL)ના ભાવ ઘટવાના સમાચાર વાંચીને જો તમે હરખાઈ ગયા હોવ તો જરાક થોભી જજો, કારણ કે, આ ઘટાડો તમારા ખિસ્સાને રાહત આપનારો નથી. લિટરે થયેલો 15 રૂપિયાનો ઘટાડો તમારા બજેટ પર ખાસ અસર નહીં પાડે, કારણ કે ગયા વર્ષ કરતાં તો ભાવ (INFLATION) હજુ પણ વધારે જ છે.
નરી આંખે ન દેખાતી મોંઘવારી
સરસવનું તેલ હોય કે સોયાનું, પામ હોય કે મગફળી. આમાંથી એકેય તેલનો ભાવ ઘટીને ગયા વર્ષના લેવલ સુધી પહોંચે તેવી કોઈ શક્યતા દેખાતી નથી તો પછી બે વર્ષ પહેલાંના ભાવ સાથે સરખામણી તો કરવી જ રહી. ખાવાના તેલમાં જે મોંઘવારી છે તે નરી આંખે કે આંકડાકીય રીતે ઘટવાની નથી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ તૂટ્યો
આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઈલનો ભાવ તૂટ્યો અને આયાત જકાત ઘટાડ્યા પછી ભારતમાં ખાદ્ય તેલના ભાવ ઓછા થાય તે માટે સરકારે ખાદ્ય તેલ બનાવતી કંપનીઓને કિંમતો તાત્કાલિક ઓછી કરવાની સૂચના આપી હતી.
ભારતની આયાત
આપણે ખાવાના તેલની 60થી 65 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરીએ છીએ અને છેલ્લા એક મહિનામાં વિદેશના બજારોમાં ખાવાના તેલના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. અરે.., ખાદ્યતેલ માર્કેટના પ્રતિનિધિઓએ જ ગયા સપ્તાહે સરકારને જણાવ્યું હતું કે, એક મહિનામાં પ્રતિ ટન ભાવ 300થી 450 ડૉલર ઘટ્યા છે. રૂપિયામાં જોઈએ તો, એક કિલોએ ભાવ 24થી 36 રૂપિયા ઘટ્યો કહેવાય.
ભારતમાં ઓછો ઘટાડો થયો
જોકે, છેલ્લા એક મહિનામાં ભારતીય માર્કેટમાં તેલના ભાવમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ઉદ્યોગજગતનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવમાં થયેલા ઘટાડાની અસર તાત્કાલિક નહીં, પરંતુ ધીમે ધીમે જોવા મળશે. એટલે કે, રિટેલ માર્કેટમાં ભાવ ઘટવાનું શરૂ થતાં હજુ વાર લાગી શકે છે.
તેલનું ઉત્પાદન
હવે ભારતમાં તેલના ઉત્પાદનની પણ વાત કરીએ. દેશમાં તેલીબિયાંની ખેતીમાં થયેલો ઘટાડો ચિંતાજનક છે. જે રાજ્યોમાં તેલીબિયાંનું ઉત્પાદન થાય છે, ત્યાં વરસાદે મોડું કરતાં ખરીફ તેલીબિયાંના વાવેતરમાં 20 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે. ખાસ તો સોયાબીન અને મગફળીની ખેતી પર વધારે અસર પડી છે. જો આ સ્થિતિ વહેલી તકે નહીં સુધરે તો ખાદ્ય તેલના બજારમાં મોંઘવારીની આગ ફેલાતી જશે.
અન્ય દેશોમાં ઉત્પાદન
આમ તો આપણે મહત્તમ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરીએ છીએ એટલે ભારત કરતાં અન્ય દેશોમાં સારું ઉત્પાદન થાય તે વધુ જરૂરી છે. આ મોરચે થોડા રાહતના સમાચાર છે, કારણ કે દુનિયાભરમાં આ વર્ષે ખાદ્ય તેલનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે. અમેરિકન કૃષિ વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આ વર્ષે દુનિયામાં 21.77 કરોડ ટન ખાદ્ય તેલનું ઉત્પાદન થશે, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 3 ટકા વધુ હશે અને અત્યાર સુધીનું સર્વોચ્ચ ઉત્પાદન હશે. આ વર્ષે તમામ મુખ્ય તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન રેકોર્ડબ્રેક રહેવાનો અંદાજ છે.
રિટેલ માર્કેટમાં ભાવ ઘટે તે જરૂરી છે
વૈશ્વિક સપ્લાયને લઈને તો અત્યારે ચિંતા નથી અને વૈશ્વિક સ્તરે સારું ઉત્પાદન થવાથી ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, ભારતીય ગ્રાહકોને ત્યારે જ રાહત મળશે, જ્યારે સ્થાનિક રિટેલ માર્કેટમાં પણ વૈશ્વિક બજારની જેમ ભાવ ઘટશે.