Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો
નેસ્લેએ કહ્યું કે જો આ ભૂલથી અજાણતાં તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે.
મલ્ટીનેશનલ કંપની નેસ્લેએ(Nestle) તેની ચોકલેટ ઉત્પાદન કિટકેટ(Kitkat) ના સ્ટોકને પરત મંગાવી રહી છે. પ્રોડક્ટના પેકિંગને લઈ ઉભા થયેલા વિવાદના પગલે કંપનીએ માફી માંગી આ પગલું ભર્યું છે. ચોકલેટ રેપર પર ભગવાનની તસવીર છાપવા બદલ નેસ્લેએ માફી માંગી છે. આ સાથે કંપનીએ કહ્યું કે તે બજારમાંથી આવા તમામ ઉત્પાદનોને પરત મંગાવી રહી છે.
લોકો Twitter પર વિરોધ કરી રહ્યા હતા
નેસ્લેની કિટકેટ બ્રાન્ડની ચોકલેટના રેપર પર ભગવાન જગન્નાથની તસવીર છપાઈ ત્યારથી વિવાદ શરૂ થયો હતો. Twitter પર ફોટો શેર કરી ઘણા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. વાંધો ઉઠાવનારાઓએ કહ્યું કે ચોકલેટ ખાધા પછી લોકો રેપર શેરીઓ, ગટર કે ડસ્ટબીનમાં ફેંકી દે છે. આ કારણથી કંપનીએ રેપરમાંથી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાની તસવીર હટાવી દેવી જોઈએ.
Nestle આ લોટ પરત મંગાવી રહી છે
નેસ્લેએ માફી માંગીને અને આ લોટના બાકીના ઉત્પાદનને બજારમાંથી પરત મંગાવવા ખાતરી આપી છે. નેસ્લે સ્પષ્ટતા આપતા એક નિવેદનમાં જણાવ્યું કે ટ્રાવેલ બ્રેક પેકનો હેતુ સ્થાનિક સ્થળો સુંદરતા સેલિબ્રેટ કરવાનો છે. આને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ઓડિશાની સંસ્કૃતિની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે પેક પર યુનિક કલા પટ્ટચિત્રની ઝલક દર્શાવતી ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha pic.twitter.com/lczPnFpCTj
— Raimohan Parida (@RaimohanParida2) January 17, 2022
કંપનીએ કહ્યું કે રેપર પરની તસવીર સરકારની પ્રવાસન વેબસાઇટથી પ્રેરિત છે. અમે લોકોને આ કળા અને તેની સાથે સંકળાયેલા કલાકારો વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. અમારી અગાઉની ઝુંબેશોએ સાબિત કર્યું છે કે ગ્રાહકો આવી સુંદર ડિઝાઇનને પસંદ કરે છે. જો કે અમે આ બાબતની સંવેદનશીલતાને સમજીએ છીએ.
નેસ્લેએ કહ્યું કે જો આ ભૂલથી અજાણતાં તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. કંપનીએ કહ્યું કે તેણે તાત્કાલિક અસરથી આવા ઉત્પાદનોને બજારમાંથી હટાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે તે બજારમાંથી આવા પેકેટ પરત મંગાવી રહી છે.
આ પણ વાંચો : GOLD : કોરોનાકાળમાં સોનાની માંગમાં ઉછાળો, 9 મહિનામાં દેશવાસીઓએ 38 અબજ ડોલરના સોનાની ખરીદી કરી