Stock Market : IPO ના નામે થઈ રહી છે છેતરપિંડી, WhatsApp પર આવે છે આવા મેસેજ; પૈસા રોકાણ કરતા પહેલા ધ્યાન રાખજો નહીતર….
ભારતમાં રોકાણના વલણો ઝડપથી બદલાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષિત થયા છે. એવામાં સાયબર ઠગો માટે આ એક તક બની ગઈ છે કે, જ્યાં તેઓ નવા રોકાણકારોને હાઈ રિટર્નની લાલચ આપીને છેતરપિંડી કરી શકે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોકાણના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે. રોકાણકારો શેરબજારમાં પહેલા કરતાં વધુ રસ લઈ રહ્યા છે અને પૈસા રોકાણ કરી રહ્યા છે. જો કે, સાયબર ગુનેગારો પણ આ વધતા વલણનો લાભ લઈ રહ્યા છે. આ સાયબર ગઠિયાઓ નવી-નવી રીતોનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે.
છેતરપિંડી કેવી રીતે થાય છે?
છેતરપિંડી કરનારાઓ વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા દ્વારા રોકાણકારોને હાઈ રિટર્નની લાલચ આપે છે. તેઓ નકલી એપ અથવા વેબસાઇટ બનાવે છે, જે વાસ્તવિક ટ્રેડિંગ પ્લેટફોર્મ જેવી દેખાય છે. રોકાણકારને રોકાણ માટે પૈસા જમા કરાવવાનું કહેવામાં આવે છે પરંતુ પાછળથી ન તો નફો થાય છે અને ન તો પૈસા પાછા મળે છે.
ક્યારેક શરૂઆતના રોકાણ પર રિટર્ન આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ રોકાણકારોને વધુ પૈસા રોકાણ કરવા માટે લલચાવે છે. જ્યારે રોકાણકારો મોટી રકમનું રોકાણ કરે છે, ત્યારે છેતરપિંડી કરનાર તેમના પૈસા લઈને ભાગી જાય છે.
શેરબજારની ટિપ્સ અને IPOમાં રોકાણ કરવાની ખોટી ટિપ્સ
આટલું જ નહીં, IPOના નામે પણ છેતરપિંડી થઈ રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગુનેગારોએ તિરુપુરમાં રહેતા એક વ્યક્તિને IPOમાં પૈસા રોકાણ કરવા કહ્યું અને તેની સાથે છેતરપિંડી કરી દીધી.
વાત એમ છે કે, સાયબર ગુનેગારોએ તે વ્યક્તિને ‘Adit Pro’ નામની નકલી સંસ્થામાં રોકાણ કરવાનું કહ્યું અને હાઈ રિટર્નની લાલચ આપી. આ ગુનેગારોએ એક WhatsApp ગ્રુપ દ્વારા તે વ્યક્તિને શેરબજારની ટિપ્સ અને IPOમાં રોકાણ કરવાની ખોટી ટિપ્સ આપી.
વોટ્સએપ-ટેલિગ્રામ કૌભાંડથી કેવી રીતે બચવું?
- શેરબજારમાં વાર્ષિક 12-15 ટકા રિટર્ન સામાન્ય છે. ગેરંટી સાથે તમારા પૈસા બમણા કે ત્રણ ગણા કરવાનું વચન આપતી કોઈપણ યોજનાથી સાવધ રહો.
- રોકાણને લઈને સલાહ આપનાર કોઈપણ વ્યક્તિ કે ગ્રુપ સેબી અને આરબીઆઈ દ્વારા પ્રમાણિત છે કે નહી તે તપાસો.
- ઘણા સ્કેમર્સ ગ્રુપ બનાવે છે અને શેરબજારને લઈને કાલ્પનિક વાતો શેર કરે છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
- ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર હોય તેવી એપ્સ દ્વારા જ રોકાણ કરો.
- 2 લેયર સેફટી ફીચર અપનાવો અને ક્યારેય તમારો OTP, પાસવર્ડ અથવા ગુપ્ત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.
છેતરાયા પછી શું કરવું?
સાયબર ક્રાઇમ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે, તેઓ આવી ઓનલાઈન જોબ કે રોકાણની ઓફરથી સાવધ રહે. સંપૂર્ણ માહિતી અને માન્યતા ન હોય તેવી સ્કીમમાં પડશો નહી. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને છે, તો તે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરી શકે છે અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકે છે.
