જો તમે સોનાના દાગીના ખરીદતી વખતે તેની શુદ્ધતા વિશે ચિંતિત છો તો સરકારે તમને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકાર 1 એપ્રિલ 2023થી ગોલ્ડ હોલમાર્કિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 એપ્રિલ 2023 થી તમામ સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે 6-અંકનું આલ્ફાન્યૂમેરિક HUID એટલેકે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન ફરજિયાત બનશે. 1 એપ્રિલથી સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓ કે જેમાં 6 અંકનો આલ્ફાન્યૂમેરિક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર નથી તેના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
સોનાના દાગીનામાં હવે 6 અંકનો HUID હશે. તે આલ્ફાન્યૂમેરિક હશે. એટલે કે તેમાં અક્ષરો અને સંખ્યાઓ બંનેનું સંયોજન હશે. આલ્ફાન્યૂમેરિક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર વડે ગ્રાહક જાણી શકશે કે જ્વેલરી કયા જ્વેલર દ્વારા બનાવવામાં આવી છે. ઉપરાંત તમે હોલમાર્કિંગ સેન્ટર શોધી શકશો. સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓમાં હવે 3 આવશ્યક ગુણ હશે. ગોલ્ડ જ્વેલરીમાં હવે BIS લોગો, કેરેટમાં સોનાની શુદ્ધતા અને 6-અંકનો આલ્ફાન્યૂમેરિક HUID કોડ હશે.
હાલની હોલમાર્કિંગ સિસ્ટમમાં સોનાના દાગીના પર 4 માર્કિંગ છે. સોનાના દાગીનામાં ભારતીય માનક બ્યુરોનો લોગો, કેરેટમાં સોનાના દાગીનાની શુદ્ધતા, હોલમાર્કિંગ સેન્ટરનું ઓળખ ચિહ્ન અને જ્વેલર્સનો લોગો અથવાકોડ હોય છે. દેશમાં વર્ષ 2000માં સોનાના દાગીનાના હોલમાર્કિંગની શરૂઆત થઈ હતી. ગ્રાહક બાબતોના મંત્રાલયનું કહેવું છે કે હાલમાં દરરોજ 3 લાખથી વધુ સોનાની વસ્તુઓ HUID સાથે હોલમાર્ક કરવામાં આવે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની BIS કેર એપ ખૂબ જ ઉપયોગી છે. આ એપ તમને જ્વેલરીની શુદ્ધતાની ચકાસણી કરવામાં મદદ કરશે. BIS કેર એપમાં, તમારે જ્વેલરી પર આપવામાં આવેલ 6 અંકનો આલ્ફાન્યૂમેરિક HUID કોડ દાખલ કરવો પડશે. આ પછી તમે જ્વેલરનું નામ, તેનો રજીસ્ટ્રેશન નંબર, હોલમાર્કિંગ સેન્ટરનું નામ, હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું, હોલમાર્કિંગની તારીખ અને જ્વેલરીની શુદ્ધતા વિશે જાણી શકશો.
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.