અંબાજીમા GMDC કોપર પ્રોજેક્ટ અમલમાં મૂકશે, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સે આપી મંજૂરી
ગુજરાતના ખનિજ સમૃદ્ધ ક્ષેત્રમાં સ્થિત અંબાજી કોપર પ્રોજેક્ટ હેઠળ એક જ અત્યાધુનિક સુવિધામાં સંશોધન, માઇનિંગ અને પ્રોસેસિંગ થશે. 185 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ, સીસું અને જસતનો ભંડાર છે. GMDCનો અંદાજ છે કે, આ ખનિજોનો લગભગ 1 કરોડ ટન જથ્થો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) લિમિટેડ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહ્યું છે. GMDC મહત્વકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટ હાથ ધરશે, જે ભારતના કોપર ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશની કોપર પરની નિર્ભરતા ઘટાડશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત તેના કુલ તાંબાના વપરાશના 90% આયાત કરે છે. અંબાજી કોપર પ્રોજેક્ટમાં માઇનિંગ અને પ્રોસેસિંગની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ હશે, જે વ્યાપક ઉત્પાદન અને મજબૂત પુરવઠો સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ સાથે અંબાજી ઔદ્યોગિક વિસ્તરણ, રોજગાર સર્જન અને ખનિજ સપ્લાયમાં ઉદાહરણ સ્થાપિત કરશે.
ગુજરાતના ખનિજ સમૃદ્ધ ક્ષેત્રમાં સ્થિત અંબાજી કોપર પ્રોજેક્ટ હેઠળ એક જ અત્યાધુનિક સુવિધામાં સંશોધન, માઇનિંગ અને પ્રોસેસિંગ થશે. 185 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ, સીસું અને જસતનો ભંડાર છે. GMDCનો અંદાજ છે કે, આ ખનિજોનો લગભગ 1 કરોડ ટન જથ્થો છે, જેની કુલ કિંમત રૂપિયા 22,000 કરોડ છે- જેમાં ફક્ત તાંબાનો હિસ્સો ₹18,000 કરોડનો છે.
તાંબાના મૂલ્યને ધ્યાનમાં લેતાં આ પ્રોજેક્ટ વિશ્વની ટોચની 10 કોપર એસેટ્સ પૈકી એક માનવામાં આવે છે. આ ઉપરાંત, 185 હેક્ટર પ્રોજેક્ટ વિસ્તારમાં કુલ 24,000 મીટર ડ્રિલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 9,300 મીટર ડ્રિલિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સે તાજેતરમાં અંબાજી કોપર પ્રોજેક્ટ માટે માઇનિંગ પ્લાનને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે, જે 2,200થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે.
ઇલેક્ટ્રિક વાહનો અને નવીનીકરણીય ઊર્જાના ઉદભવ સાથે તાંબાની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે એકલું અંબાજી ભારતની તાંબાની જરૂરિયાતના લગભગ પાંચમા ભાગને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી દાયકામાં દેશમાં આ એકમાત્ર મલ્ટી-મેટલ ખાણ હશે, જે આત્મનિર્ભર અને સંસાધન-મજબૂત ભારતના સંકલ્પમાં ગુજરાતના નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તાંબુ એ આધુનિક માળખાગત સુવિધાઓનો આધારસ્તંભ છે, જે ઘરો અને હાઇવેથી લઈને ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રીડ અને નવીનીકરણીય ઊર્જા પ્રણાલીઓમાં વપરાય છે. ઔદ્યોગિક ઉત્પાદન ઉપરાંત, અંબાજી પ્રોજેક્ટ પ્રાદેશિક વિકાસને પણ વેગ આપશે.
નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું રિફાઇન્ડ કોપર ઉત્પાદન 5.73 લાખ ટન સુધી પહોંચ્યું, જે વાર્ષિક ધોરણે 12.5% વધુ છે. મોટાભાગના તાંબાનો ઉપયોગ મોબિલિટી સેક્ટર (34%), ત્યારબાદ માળખાગત સુવિધાઓ (14%), ઔદ્યોગિક ઉપયોગ (14%), ગ્રાહક ઉપકરણો (13%), મકાન અને બાંધકામ (11%) અને કૃષિ (6%) માં થાય છે.
GMDCનો અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવે છે, જે તાંબા ઉદ્યોગમાં ભારતની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી 9-10 ઓક્ટોબરના રોજ મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં અંબાજીનું કોપર માઇનિંગ ચર્ચાનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં 9 ઓક્ટોબરે GMDC દ્વારા મહત્વપૂર્ણ ખનિજો પર સેમિનારનું આયોજન કરવામાં આવશે.