દુબઈની સૌથી મોટી બેંક અમીરાત NBD(Emirates NBD) ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકનો બહુમતી હિસ્સો ખરીદી શકે છે. યસ બેંક સંપત્તિની દ્રષ્ટિએ ભારતની છઠ્ઠી સૌથી મોટી બેંક છે. મનીકંટ્રોલને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અમીરાત NBDએ પ્રારંભિક રસ દર્શાવ્યો છે અને બિડ ફાઇલ કરવાનું વિચારી રહી છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, યસ બેંક માટે પ્રારંભિક બિડ આ મહિનાના અંત સુધીમાં ફાઇલ કરી શકાય છે. અગાઉ 12 એપ્રિલે મનીકંટ્રોલે ખુલાસો કર્યો હતો કે જાપાનનું મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રૂપ (MFJ) અને સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશન (SMBC) પણ તેના માટે બિડ ફાઇલ કરવાનું વિચારી રહી છે.
પતનની આરે રહેલી યસ બેંકને લગભગ ચાર વર્ષ પહેલા SBIની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા બચાવી લેવામાં આવી હતી. હવે કન્સોર્ટિયમ પોતાનો હિસ્સો વેચવાનું વિચારી રહ્યું છે. યસ બેંક માટે નવા પ્રમોટર શોધવાની જવાબદારી ઇન્વેસ્ટમેન્ટ બેંક સિટીને સોંપવામાં આવી છે.
યસ બેન્કના શેરની 19 એપ્રિલે બંધ કિંમત અનુસાર, તેનો બહુમતી એટલે કે 51 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 35139 કરોડનો ખર્ચ થશે. SBI 26.13 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે LIC, HDFC બેન્ક, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક અને IDFC ફર્સ્ટ બેન્ક 13.84 ટકા હિસ્સો ધરાવે છે.
બે ખાનગી ઈક્વિટી કંપનીઓ કાર્લાઈલ(Carlyle) અને એડવેન્ટ ઈન્ટરનેશનલે (Advent International)જુલાઈ 2022માં તેનો હિસ્સો ખરીદ્યો હતો. બેન્કે ઇક્વિટી શેર અને વોરંટ દ્વારા 10-10 ટકા હિસ્સાના બદલામાં રૂ. 8900 કરોડ એકત્ર કર્યા હતા.
યસ બેંકમાં તમામ ધિરાણકર્તાઓ, LIC અને આ બે ખાનગી ઇક્વિટી કંપનીઓનો હિસ્સો 52.83 ટકા છે. એમેરિટસ NBD (નેશનલ બેંક ઓફ દુબઈ) નો વ્યવસાય UAE, ઇજિપ્ત, ભારત, તુર્કી, સાઉદી અરેબિયા, સિંગાપોર, UK, ઑસ્ટ્રિયા, જર્મની, બહેરીન, રશિયામાં ફેલાયેલો છે. આ સાથે તેની ચીન અને ઇન્ડોનેશિયામાં પ્રતિનિધિ કચેરીઓ પણ છે.
તાજેતરમાં, યસ બેંકના સીઇઓ પ્રશાંત કુમારે કહ્યું હતું કે RoA વધારવા માટે, બેંકનું ધ્યાન હવે નાની અને મધ્યમ કદની કંપનીઓને લોન આપવા પર છે. પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, બેંકનું પ્રથમ પગલું આગામી બે વર્ષમાં 1 ટકા અને 3-5 વર્ષમાં 1.5 ટકા આરઓએ હાંસલ કરવાનું છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં તે 0.2 ટકા હતો.
નાણાકીય વર્ષ 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, તેના 75 લાખ ગ્રાહકો હતા. તેની પાસે રૂ. 3,54,786 કરોડની સંપત્તિ અને રૂ. 2,03,269 કરોડની એડવાન્સિસ હતી. તેની 700 થી વધુ શહેરોમાં 1192 શાખાઓ હતી. ડિસેમ્બર 2022માં, બેંકે માર્ચ 2022 સુધીના 48 હજાર કરોડ રૂપિયાના NPA જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શનને વેચ્યા હતા. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને GIFT સિટી સહિત દેશભરમાં તેની હાજરી છે. આ ઉપરાંત તેની અબુ ધાબીમાં એક પ્રતિનિધિ કાર્યાલય પણ છે.