અસંગઠિત ક્ષેત્રના (unorganized sector) કામદારોને સરકારી યોજનાનો (Government Scheme) સંપૂર્ણ લાભ આપવા માટે સરકાર કેન્દ્રીય ડેટા બેઝ બનાવી રહી છે. આ ડેટાબેઝ ઈ-શ્રમ પોર્ટલ દ્વારા તૈયાર કરવામાં આવશે. પોર્ટલની શરૂઆત સાથે કામદારો ઝડપથી તેમાં જોડાયા પછી ડેટા બેઝ (data base) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે ઓગસ્ટમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના 25 ટકા કામદારોએ તેમની નોંધણી કરાવી લીધી છે. અત્યાર સુધી થયેલા કુલ રજીસ્ટ્રેશનમાં લગભગ 52 ટકા મહિલાઓ છે. સંખ્યાની દ્રષ્ટિએ, ઈ-શ્રમ પોર્ટલ શરૂ થયાના ત્રણ મહિનામાં 11,94,20,932 અસંગઠિત કામદારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલમાં દેશભરમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં લગભગ 50 કરોડ કામદારો છે, જેમાંથી 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે. આનો અર્થ એ થયો કે અસંગઠિત ક્ષેત્રના લગભગ 26 ટકા કામદારો પોર્ટલ પર નોંધાયેલા છે.
સરકારી આંકડા મુજબ આ નોંધાયેલા કામદારોમાંથી 41 ટકા ઓબીસી, 27 ટકા સામાન્ય કેટેગરીના, 22 ટકા અનુસૂચિત જાતિ અને 8.96 ટકા અનુસૂચિત જનજાતિના છે. તે જ સમયે કુલ નોંધાયેલા અસંગઠિત કામદારોમાંથી 51 ટકા કૃષિ ક્ષેત્રના, 17 ટકા અન્ય, 11 ટકા બાંધકામ કામદારો, 9.56 ટકા ઘરેલું અને ઘરગથ્થુ કામદારો અને 6.46 ટકા કાપડ ક્ષેત્રના છે.
વ્યવસ્થિત ડેટાના અભાવે મોટી સંખ્યામાં અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સરકારી યોજનાઓનો લાભ મળી શક્તો ન હતો. બીજી તરફ છેતરપિંડીના કારણે પૈસા ખોટા હાથમાં જવાની કે યોજનાઓના પૈસા વણવપરાયેલ પડી રહેવાની આશંકા પણ વધી ગઈ હતી, આને પહોંચી વળવા માટે સરકાર આ સેન્ટ્રલાઈઝ ડેટાબેઝ તૈયાર કરી રહી છે.
સરકારને આશા છે કે આ ડેટાબેઝ સામાજિક સુરક્ષા સેવાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા સંહિતા 2020 લાગુ કરવા અને વધુને વધુ કામદારોને સામાજિક સુરક્ષા યોજનાઓના દાયરામાં લાવવા માટે આ કામ કરી રહી છે.
જેઓ ઘરમાં કામ કરે છે, સ્વ-રોજગાર કરે છે અથવા જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓને અસંગઠિત કામદારો કહેવામાં આવે છે. આ સિવાય સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા એવા લોકો કે જેઓ ESIC અથવા EPFOના સભ્ય નથી અને જેઓ સરકારી કર્મચારી નથી તેમને પણ અસંગઠિત કામદાર ગણવામાં આવે છે. સરકાર આ લોકોના ડેટા એકત્ર કરી રહી છે. આમાં બાંધકામ, સ્થળાંતર, ગીગ અને પ્લેટફોર્મ કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું અને કૃષિ કામદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Bank Strike : આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે, તમારું કોઈ અગત્યનું કામ નહીં થાય