Bhakti: ચાતુર્માસની(CHATURMAS) શરુઆત થઈ ગઈ છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધીના સમયગાળાને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ ચાર મહિનાનું આપણા ધર્મમાં ખુબ મહત્વ છે. એટલું જ નહીં ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા છે, ત્યારે કેટલાક વિશિષ્ટ નિયમોના પાલન સાથે જો પ્રભુ ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ વ્યક્તિને ફાયદો થાય છે.
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્યનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે, તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકની પ્રાપ્તિ થઈ શકે છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ મળી આવે છે.
ધાર્મિક ગ્રંથો પ્રમાણે ચાતુર્માસ દરમ્યાન વ્રત, પૂજન, હવન, દાન અને ધ્યાન તેમજ યોગનો અભ્યાસ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને આ સમયમાં જે મનુષ્ય સંયમ અને નિયમનું પાલન કરે છે, તેને અનેકોગણા પુણ્યની પ્રાપ્તિ થતી હોવાનું પદ્મપુરાણમાં કહેવાયું છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ચાતુર્માસ દરમિયાન શું કરશો અને કઈ કઈ બાબતો બિલકુલ ન કરવી જોઈએ.
આવો જાણીએ ચાતુર્માસમાં શું કરવું?
1- ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી.
2- ચાતુર્માસમાં વિષ્ણુસહસ્ત્રનામનો જપ કરવામાં આવે તો તે વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે.
3- જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું.
4- ચાતુર્માસ દરમિયાન શક્ય હોય તે વસ્તુનું પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું.
5- જો આપ ચાતુર્માસનું વ્રત કરો છો તો જમીન પર જ સુવું જોઈએ.
ચાતુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ ?
1- ચાતુર્માસ દરમિયાન નશીલા પદાર્થોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ.
2- ચાતુર્માસ દમિયાન કોઈની સાથે ગેર વર્તન ન કરવું.
3- ધ્યાન રહે, ચાતુર્માસમાં આપ કોઈ પર ગુસ્સો કે કોઈનું અપમાન ન કરી બેસો.
4- ચાતુર્માસમાં ડુંગળી અને લસણનો ખોરાકમાં બિલકુલ ઉપયોગ ન કરવો.
5- ચાતુર્માસ એટલે વર્ષાઋતુનો સમય અને આ ઋતુમાં પાણી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે હોય છે. 6- સંશોધકોનું એવું માનવું છે કે આ ઋતુમાં લીલા શાકભાજીઓ બેક્ટેરિયા સંક્રમણથી ભરેલા હોય છે. તેથી પાલક, કોઇપણ ભાજી કે કોબી જેવા શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : જેમના કોઈ ગુરુ નથી તેમણે કોને ગુરુ કરવા ? તુલસીદાસજીએ સ્વયં વર્ણવ્યો ગુરુ મહિમા