ભગવાન વિષ્ણુ પૃથ્વી પર જ્યારે પણ અવતાર લે છે, ત્યારે શા માટે શેષનાગ હંમેશા તેમની સાથે જ જન્મ લે છે?
શેષનાગ ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય સેવક છે. તે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુનું શયન બનાવે છે. તેથી જ્યારે પણ ભગવાન વિષ્ણુ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર અવતાર લે છે ત્યારે શેષનાગ પણ તેમના રક્ષક અને સેવક તરીકે તેમની સાથે આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, શેષનાગને અનંત અને આદિ શેષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેષનાગ વિષ્ણુજીની અવતારોમાં તેમની સાથે રહેવા માટે જન્મે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શેષનાગ ભગવાન વિષ્ણુના એક મહાન ભક્ત, સેવક અને આસન છે. જે હંમેશા તેમની સાથે રહે છે અને તેમની પ્રવૃત્તિઓમાં મદદ કરે છે.
ત્રેતાયુગ: ભગવાન શ્રીરામના અવતાર દરમિયાન, શેષનાગનો જન્મ તેમના નાના ભાઈ લક્ષ્મણ તરીકે થયો હતો અને તેમણે દરેક પગલે શ્રીરામને મદદ કરી હતી.
દ્વાપરયુગ: ભગવાન શ્રીકૃષ્ણના અવતાર દરમિયાન શેષનાગનો જન્મ તેમના મોટા ભાઈ બલરામ તરીકે થયો હતો. જ્યારે વાસુદેવ ગોકુળમાંથી તેમને (શ્રીકૃષ્ણ) ટોપલીમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે શેષનાગે વરસાદથી બચાવ્યા હતા.
સંતુલન અને સહયોગનું પ્રતીક: શેષનાગને અનંત કહેવામાં આવે છે. જેનો અર્થ છે જેનો કોઈ અંત નથી. તેઓ ભગવાન વિષ્ણુ સાથે મળીને બ્રહ્માંડમાં ધર્મ અને સંતુલન જાળવવામાં સહયોગ કરે છે.
શેષનાગ ઋષિ કશ્યપ અને કદ્રુનો સૌથી મોટો પુત્ર છે. તે સર્પોના રાજા પણ છે. જોકે તેમણે પોતાના રાજ્યનો ત્યાગ કર્યો અને ભગવાન વિષ્ણુજીની સેવા કરવાનું શરૂ કર્યું. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શેષનાગનું બીજું નામ અનંત છે. તેમના અસંખ્ય મસ્તક છે. તેમનું શરીર અનંત મોટું છે. તેમનો કોઈ અંત નથી. તેથી તેમને અનંત પણ કહેવામાં આવે છે. તે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સાથે રહે છે. ભગવાન હરિ અને દેવી લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાગના સિંહાસન પર રહે છે.
ભગવાન વિષ્ણુજીના અવતારોમાં કરે છે મદદ
માન્યતા અનુસાર, શેષનાગે પોતાના ફણ પર સમગ્ર પૃથ્વીને ધારણ કરેલું છે. માનવામાં આવે છે કે જ્યારે શેષનાગ સીધા રહે છે ત્યારે બ્રહ્માંડમાં સમયનું સંતુલન રહે છે. જ્યારે તેઓ કુંડળી આકાર ધારણ કરે છે ત્યારે પ્રલય આવે છે. શેષનાગ ભગવાન વિષ્ણુજીના અવતારોમાં પણ તેમની મદદ કરે છે. શ્રીરામ અવતારમાં તેઓ લક્ષ્મણ બન્યા હતા. જ્યારે શ્રીકૃષ્ણ અવતારમાં તેમણે બલરામનું રૂપ ધારણ કર્યું હતું. શેષનાગના અન્ય ભાઈઓમાં વાસુકી, તક્ષક, કાળિયા નાગ, પદ્મ, મહાપદ્મ, ધનંજય અને શંખ જેવા નાગોનો સમાવેશ થાય છે.
શેષનાગનો જન્મ
મહાભારત અનુસાર, દક્ષ પ્રજાપતિને બે પુત્રીઓ હતી. કદ્રુ અને વિનતા. બંનેના લગ્ન મહર્ષિ કશ્યપ સાથે થયા હતા. મહર્ષિ કશ્યપ પોતાની બંને પત્નીઓને સમાન રીતે પ્રેમ કરતા હતા. એક વાર, જ્યારે મહર્ષિ કશ્યપે પોતાની પત્નીઓને વરદાન માંગવા કહ્યું ત્યારે કદ્રુએ એક હજાર સમાન નાગ પુત્રો માંગ્યા, જ્યારે વિનતાએ કદ્રુના હજાર નાગ કરતાં વધુ શક્તિશાળી ફક્ત બે પુત્રો માંગ્યા. કદ્રુના પહેલા ઇંડામાંથી શેષનાગનો જન્મ થયો.
શેષનાગને મળેલો શ્રાપ
એકવાર કદ્રુ અને વિનતા મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન કદ્રૂ અને વિનતા સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા સાત મસ્તકવાળા ઘોડા ઉચ્ચૈઃશ્રવાને જોઈ રહ્યા હતા. વિનતાએ કહ્યું કે ઘોડાનો રંગ સંપૂર્ણ સફેદ છે. પરંતુ કદ્રૂએ કહ્યું કે તેની પૂંછડી કાળી છે. કદ્રૂએ વિનતાને પોતાની દાસી બનાવવા માટે પોતાના પુત્રોને (નાગ) આદેશ આપ્યો હતો. કેટલાક નાગોએ તેની વાત માની લીધી હતી. પરંતુ શેષનાગ, વાસુકી અને કેટલાક અન્ય નાગોએ તે વાતનો વિરોધ કર્યો. આથી ક્રોધિત થઈ કદ્રૂએ શેષનાગ અને અન્ય નાગોને શ્રાપ આપ્યો હતો કે તેઓ રાજા જનમેજયના નાગ યજ્ઞમાં બળીને ભસ્મ થઈ જશે.
શ્રાપમાંથી મુક્તિ
શ્રાપ મળ્યા બાદ શેષનાગે પોતાની માતા અને ભાઈઓનો ત્યાગ કરીને ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા ગયા. તેમણે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું. તેમનું મન હંમેશા ધર્મ તરફ રહે. તેઓ ભગવાન નારાયણના સેવક તથા સહાયક બની રહે. બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું. સાથે પૃથ્વીને પોતાના ફણ પર ધારણ કરવાનો આશીર્વાદ પણ આપ્યો. જેથી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે. માન્યતાઓ અનુસાર ત્યારથી શેષનાગ પોતાના ફણ પર પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. ત્યારબાદ વાસુકીને નાગરાજ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તક્ષકને નાગોના રાજા તરીકે સ્થાન મળ્યું.
નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
