16 એપ્રિલ, 2023, રવિવારે વરુથિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ચૈત્ર માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. કહે છે કે આ દિવસે આસ્થા સાથે વ્રત કરવાથી વ્યક્તિને અનેકવિધ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પણ, સવિશેષ તો આ એકાદશી વ્યક્તિના શારીરિક કષ્ટોને દૂર કરનારી છે. જેના માહાત્મ્યને વર્ણવતી એક રસપ્રદ કથા પણ જોડાયેલી છે. આવો, તે કથા જાણીએ અને એ પણ જાણીએ કે આ એકાદશીએ શ્રીવિષ્ણુના વરાહ સ્વરૂપની આરાધના શા માટે ફળદાયી મનાય છે !
વરુથિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ રૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર સૂર્યવંશી રાજા માંધાતાએ આ તિથિ પર ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરીને જ તેમના શારીરિક કષ્ટથી મુક્તિની પ્રાપ્તિ કરી હતી. એ જ કારણ છે કે આ દિવસે ભગવાન વરાહની ઉપાસના કરવાથી શારીરિક કષ્ટોનું શમન થઈ જતું હોવાની માન્યતા પ્રચલિત છે.
પ્રચલિત માન્યતા અનુસાર વરુથિની એકાદશી પર વ્રત અને પૂજન કરવાથી અન્નદાન અને કન્યાદાન કરવા સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. કહે છે કે વરુથિની એકાદશીના વ્રતમાં સંયમનું પાલન કરવું જોઇએ. નહીં તો, તપ, ત્યાગ, પૂજા, ભક્તિ બધુ જ વ્યર્થ થઈ જાય છે. એટલું જ નહીં, આ દિવસે વરુથિની એકાદશીના વ્રતની કથાનું શ્રવણ કરવાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે એકાદશીની કથા ન સાંભળો ત્યાં સુધી વ્રત પૂર્ણ નથી મનાતું !
વરુથિની એકાદશીનું મહત્વ જણાવતા ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એક કથા સંભળાવી હતી. આ કથા અનુસાર પ્રાચીનકાળમાં નર્મદા નદીના કિનારે રાજા માંધાતા રાજ્ય કરતા હતા. એ રાજા બહુ દાનવીર અને ધર્માત્મા માનવામાં આવતા હતા. રાજા માંધાતા એકવાર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે અચાનકથી ત્યાં એક રીંછ આવી ચઢ્યું. તે રાજાના પગને ચાવવા લાગ્યું.
રીંછ તપસ્યામાં લીન રાજાને ઘસડીને જંગલામાં લઇ ગયો. ઘાયલ રાજાએ પોતાના પ્રાણની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પ્રગટ થઇ રીંછને મારી નાખ્યુ. રાજા માંધાતા અપંગ થઇ ગયા. તેમણે ભગવાન વિષ્ણુને પીડામાંથી મુક્તિ માટેનો ઉપાય પૂછ્યો. તો ભગવાને રાજાને ચૈત્ર મહિનાની વરુથિની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું.
રાજા માંધાતાએ ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ વરુથિની એકાદશી પર વ્રત કર્યું. તેમણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરી. વરુથિની એકાદશીના વ્રતના પ્રભાવથી રાજા માંધાતાને શારીરિક પીડામાંથી મુક્તિ મળી ગઇ. આ વ્રતના પ્રતાપે જ રાજા પૂર્વવત સ્વસ્થ થઈ ગયા. એ જ કારણ છે કે આ વ્રત શારીરિક કષ્ટોથી મુક્તિની પ્રાપ્તિ કરાવતું હોવાની માન્યતા પ્રચલિત છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)