AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parshuram Jayanti: ભગવાન પરશુરામે શા માટે પિતાના આદેશથી તેમની માતાનો શિરચ્છેદ કર્યો?

મહર્ષિ જમદગ્ની અને માતા રેણુકાને પાંચ તેજસ્વી પુત્રો હતા. જેમાં પરશુરામ સૌથી નાના પુત્ર હતા. પરશુરામનું મૂળ નામ તો રામ હતું, પરંતુ ભગવાન શિવએ તેમને વિશેષ પરશુ પ્રદાન કરી હતી તેથી તેઓ પરશુરામ કહેવાયા.

Parshuram Jayanti: ભગવાન પરશુરામે શા માટે પિતાના આદેશથી તેમની માતાનો શિરચ્છેદ કર્યો?
Parshuram Jayanti
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 3:04 PM
Share

તમે સાંભળ્યું કે વાંચ્યું હશે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાને તેમની માતાનું શિરચ્છેદ કર્યું હતું. પરંતુ તેના પાછળનું કારણ શું હતું એ બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આપણે જાણીએ કે ભગવાન પરશુરામે શા માટે તેની માતાનું શિરચ્છેદ કર્યું હતું? મહર્ષિ જમદગ્ની અને માતા રેણુકાને પાંચ તેજસ્વી પુત્રો હતા. જેમાં પરશુરામ સૌથી નાના પુત્ર હતા. પરશુરામનું મૂળ નામ તો રામ હતું, પરંતુ ભગવાન શિવએ તેમને વિશેષ પરશુ પ્રદાન કરી હતી તેથી તેઓ પરશુરામ કહેવાયા. વામન ભગવાન અને શ્રી રામ ચંદ્રજીના અવતાર વચ્ચે પરશુરામ ભગવાન શ્રી વિષ્ણુના 10 અવતારોમાં છઠ્ઠા અવતાર હતા. દુર્વાસાની જેમ પરશુરામ ભગવાન પણ તેના ક્રોધિત સ્વભાવ માટે જાણીતા છે.

ભગવાન પરશુરામ ક્રોધિત થયા અને 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહિન કરી

એક સમયે કાર્તવીર્યએ ભગવાન પરશુરામની ગેરહાજરીમાં તેમના આશ્રમનો નાશ કર્યો હતો, જેના કારણે ભગવાન પરશુરામ ક્રોધિત થયા અને તેમણે તેમની સહસ્ત્ર ભુજાઓને કાપી નાખી હતી. ત્યારબાદ કાર્તવીર્યના સંબંધીઓએ વેરભાવથી ઋષિ જમદગ્નિનો વધ કર્યો હતો, તેથી ભગવાન પરશુરામ ક્રોધિત થયા અને 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહિન કરી હતી.

આ પણ વાંચો : Parshuram Jayanti 2023 : આજે પરશુરામ જયંતિ, જાણો ભગવાન પરશુરામ સાથે જોડાયેલી કેટલીક રોચક કથા

એક સમયની વાત છે, ભગવાન પરશુરામના માતા રેણુકા, પાણી ભરવા નદીએ ગયા હતા. નદી પર પહોંચતાં જ તેમણે એક સુંદર રાજકુમારને નદીના પાણીમાં ક્રિડા કરતા જોયા. માતા રેણુકા તે જોઈ રાજકુમાર પર મોહિત થયા અને તેનું મન વ્યાકુળ થઈ ગયું. માતા રેણુકા નદી પર રાજકુમારને જોવામાં રહ્યા અને આ તરફ ઘણો સમય વીતી ગયો. તે ભૂલી ગયા કે તેમના પતિ આશ્રમમાં રાહ જોતા હશે.

ત્યારબાદ માતા રેણુકા જ્યારે આશ્રમ પરત ફર્યા ત્યારે મહર્ષિ જમદગ્નીએ પોતાની ધ્યાન શક્તિથી નદી પર જે ઘટના બની તે જાણ્યું. આ જોઈ મહર્ષિ જમદગ્ની ક્રોધિત થયા અને તેના મોટા પુત્રને તેની માતાનો વધ કરવાનો આદેશ આપ્યો. પરંતુ માતૃ પ્રેમના કારણે તેઓએ પિતાની આજ્ઞાનું પાલન ના કર્યું.

મહર્ષિ જમદગ્નીએ તેના બધા પુત્રોને એક પછી એક તેમની માતાનો વધ કરવા કહ્યુ

મહર્ષિ જમદગ્નીએ તેના બધા પુત્રોને એક પછી એક તેમની માતાનો વધ કરવા કહ્યુ, પરંતુ બધા પુત્ર સમજી શક્યા નહીં કે આ કર્મ કરવું યોગ્ય છે. વૈદિક સંસ્કૃતિમાં કોઈ પણ સ્ત્રીનો વધ કરવો એક ભયંકર પાપ છે અને અહીં તે પોતાની જ માતાનો વધ કરવાનો હતો. બીજી તરફ પિતાના આદેશનો અનાદર કરવો પણ મોટો ગુનો હતો.

મહર્ષિ જમદગ્નીના ચારેય પુત્રોએ પિતાની આજ્ઞાનું પાલન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે મહર્ષિ એ તેમના નાના પુત્ર પરશુરામને તેની માતા અને ચાર ભાઈઓનો વધ કરવા કહ્યું. ભગવાન પરશુરામ તેના પિતાની શક્તિ વિશે જાણતા હતા અને તેમણે વિચાર્યું કે જો તે પિતાની આજ્ઞાનું પાલન કરવાની ના પાડશે, તો પિતાજી શ્રાપ આપશે. પરંતુ જો તે પિતાના આદેશનું પાલન કરશે તો મહર્ષિ જમદગ્ની પ્રસન્ન થશે અને વરદાન આપશે. ભગવાન પરશુરામ વરદાનમાં તેમની માતા અને ભાઈઓને પુન: જીવિત કરવાનું માંગશે, એવું વિચાર્યું.

ભગવાન પરશુરામે તેમના પિતા મહર્ષિ જમદગ્નીની આજ્ઞાનું પાલન કરતા માતા રેણુકા સહિત ચારેય ભાઈઓનો વધ કર્યો. આ જોઈ મહર્ષિ જમદગ્ની ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન પરશુરામને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે ભગવાન પરશુરામે માતા રેણુકા અને ચાર ભાઈઓને જીવંત કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને સાથે એ પણ કહ્યું કે આ ઘટના કોઈને પણ યાદ ના રહે. આ ઉપરાંત ભગવાન પરશુરામે પિતાજી પાસે અજય રહેવાનું પણ વરદાન માંગ્યું. મહર્ષિ જમદગ્નીએ ભગવાન પરશુરામની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી.

ભાગવત પુરાણની આ કથા અનુસાર, ભગવાન પરશુરામ તેમના પિતાની શક્તિથી સંપૂર્ણ રીતે અવગત હતા અને તેથી જ તેમણે તેમના માતા અને ચાર ભાઈઓનો વધ કરવાનું નક્કી કર્યું હતું.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">