આજે વાત કરીએ એક એવાં બાળભક્તની (child devotee) કે જે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓની વચ્ચે પણ ધ્રુવ (Dhruva) તારાની જેમ અચળ રહ્યા. માના ખોળામાં ઉંઘવાની ઉંમરે, પિતાના ખભે બેસીને દુનિયાને નિહાળવાની ઉંમરે અને મિત્રો સાથે સંતાકુકડી રમતા કાલી-ઘેલી વાતો કરવાની ઉંમરે આ ભક્ત તમામ સુખ-સાહ્યબી ત્યાગીને નીકળી પડે છે. અને એવી અચલ તપસ્યા કરે છે કે એ સ્વયં જ ‘અચલતા’નું પ્રતિક જાય છે. આ વાત છે ધ્રુવ મહારાજની. (dhruva maharaj)
ધ્રુવ મહારાજ એટલે તો શ્રીહરિના એક એવાં ભક્ત કે જે સ્વયં જ ભક્તિનો આદર્શ બની ચૂક્યા છે. માત્ર પાંચ વર્ષની ઉંમરે ધ્રુવે એ સિદ્ધ કરી બતાવ્યું કે જેને સ્પર્શવું તપસ્વીઓ માટે જ નહીં, પરંતુ, સ્વયં દેવતાઓ માટે પણ અશક્ય હતું. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંધના આઠમા અધ્યાયમાં ધ્રુવ સંબંધી આ કથાનકનો ઉલ્લેખ મળે છે. જે અનુસાર સ્વાયંભુવ મનુના પુત્ર ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામે બે પત્નીઓ હતી. સુનીતિથી તેમને ધ્રુવ અને સુરુચિથી તેમને ઉત્તમ નામે પુત્ર થયા. સુરુચિ ઉત્તાનપાદને માનીતી હતી.
એકવાર એવું થયું કે ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં બેસાડી લાડ લડાવી રહ્યા હતા. તે સમયે ધ્રુવ પણ પિતાના ખોળામાં બેસવા માટે આગળ વધ્યા. ત્યારે ઘમંડથી ભરેલી સુરુચિએ ધ્રુવને રોકીને કહ્યું “દીકરા ! તું રાજસિંહાસન પર બેસવાનો અધિકારી નથી. તું રાજાનો પુત્ર છે તેથી શું થયું ? તને મેં તો મારી કૂખમાં ધારણ નથી કર્યો ! જો તું રાજસિંહાસન ઈચ્છતો હોય તો તપસ્યા કરીને પરમ પુરુષ શ્રીનારાયણની આરાધના કર અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે.”
સાવકી માતાના આ શબ્દોએ બાળ ધ્રુવના હૃદયને વિંધિ નાંખ્યું. તે રડતા-રડતા તેમની સગી જનેતા પાસે ગયા. ત્યારે સુનીતિએ તેમને કહ્યું, “બેટા ! સુરુચિ તારી સાવકી મા હોવા છતાં પણ વાત બિલકુલ બરાબર કહી રહી છે. તે કમલદલલોચન શ્રીહરિ સિવાય મને તો તારા દુ:ખને દૂર કરનારું અન્ય કોઈ દેખાતું નથી.”
માતાના શબ્દો સાંભળી માત્ર પાંચ વર્ષના ધ્રુવ બધું જ છોડીને શ્રીહરિને શોધવા નીકળી પડ્યા. તેમની દ્રઢતાની પરીક્ષા લેવાં આવેલાં નારદમુનિએ વિવિધ પ્રલોભનોથી તેમને વાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, અંતે ધ્રુવની મક્કમતા જોઈ તેમને “ૐ નમો ભગવતે વાસુદેવાય ।” નો મંત્ર આપ્યો. આ મંત્ર સાથે ધ્રુવ યમુનાકાંઠે આવેલાં મધુવનમાં તપસ્યાર્થે પહોંચ્યા.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંધના આઠમા અધ્યાયમાં ધ્રુવની અદ્વિતીય તપસ્યાનું વર્ણન છે. જે અનુસાર, ધ્રુવે ત્રણ-ત્રણ રાત્રિના અંતરે માત્ર કોઠું અને બોર ખાઈ એક મહિના સુધી શ્રીહરિની આરાધના કરી. બીજા મહિને ધ્રુવે 6 દિવસના અંતરે માત્ર સૂકું ઘાસ અને પાંદડા ગ્રહણ કરી હરિ સાધના કરી. ત્રીજા મહિને ધ્રુવ પૂરાં 9 દિવસના અંતરે કેવળ પાણી ગ્રહણ કરતા અને સમાધિ યોગમાં લીન રહેતા. ચોથા મહિને ધ્રુવે વાયુને જીતી લીધો. તે બાર દિવસે માત્ર વાયુ ગ્રહણ કરીને ધ્યાનયોગમાં સ્થિત રહેતા. પાંચમાં મહિને ધ્રુવે શ્વાસને પણ જીતી લીધો. અને કંઈપણ ગ્રહણ કર્યા વિના જ તે એક પગ પર નિશ્ચલ ભાવે ઊભા રહી પ્રભુનું સ્મરણ કરતા.
માત્ર પાંચ વર્ષના ધ્રુવની આ ‘અચલ’ તપસ્યાએ આખાય બ્રહ્માંડને ડોલાવી દીધું. તેમનામાંથી એટલું તેજ નીકળી રહ્યું હતું કે જેને સહન કરવું ત્રણેય લોક માટે અશક્ય હતું. આખરે, સૌએ શ્રીહરિનું શરણું લીધું. અને શ્રીહરિ સ્વયં ધ્રુવને આશીર્વાદ દેવા મધુવન પધાર્યા. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંધના નવમા અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર, ધ્રુવની આ અચલ ભક્તિથી પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ દેતાં શ્રીહરિ બોલ્યા, “હે ભદ્ર ! જે તેજોમય અવિનાશી લોક આજ સુધી કોઈને પ્રાપ્ત થયો નથી, જેની પરિક્રમા ગ્રહો, નક્ષત્રો અને તારકગણરૂપી જ્યોતિ-વર્તુળ સદા કરતાં રહે છે, અવાન્તર કલ્પ સુધી અસ્તિત્વમાં રહેનારા અન્ય લોકોનો નાશ થઈ ગયા પછી પણ જે લોક સ્થિર રહે છે, તે ધ્રુવલોક હું તને પ્રદાન કરું છું.”
શ્રીમદ્ ભાગવતમાં વર્ણન અનુસાર શ્રીહરિના આશીર્વાદ બાદ ધ્રુવ ઘરે પરત ફર્યા. તેમની અચલ તપસ્યાએ સર્વના હૃદયને પરિવર્તિત કર્યું. અપરમા સુરુચિએ પણ તેમને વ્હાલથી વધાવ્યા. તરુણ અવસ્થામાં ધ્રુવનો રાજ્યાભિષેક થયો. તેમણે પૂરાં 36 હજાર વર્ષ સુધી ધરતીનું ધર્મપૂર્વક પાલન કર્યું. અને અંતે તે સદૈવ અચલ રહેનારા ધ્રુવલોકને પામ્યા.
આ પણ વાંચોઃ પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?
આ પણ વાંચોઃ દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?