Bhakti: જાણો ચાચરિયામાં વિદ્યમાન માતા મહાકાળીના દિવ્ય સ્વરૂપનો મહિમા

|

Oct 25, 2021 | 11:08 AM

ખેરાલુના ચાચરિયામાં બિરાજમાન માતા મહાકાળીનું રૂપ અત્યંત મનોહારી ભાસે છે. લગભગ 2 સદીથી માતા અહીં જ્યોત સ્વરૂપે પૂજાતા રહ્યા છે. અને આજે મંદિરમાં સ્થાપિત મહાકાળીની દિવ્ય પ્રતિમા શ્રદ્ધાળુઓને દર્શન માત્રથી પરમશાંતિની અનુભૂતિ કરાવી રહી છે.

Bhakti: જાણો ચાચરિયામાં વિદ્યમાન માતા મહાકાળીના દિવ્ય સ્વરૂપનો મહિમા
તું કાળી ને કલ્યાણી ઓ મા, જ્યાં જોવું ત્યાં જોગમાયા !

Follow us on

લેખક : પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી, કથાકાર

આપણા પુરાણોમાં શક્તિની ઉપાસનાનું અનન્ય મહત્વ છે. મહાકાળી, (Mahakali) મહાલક્ષ્મી અને મહા-સરસ્વતી એ જગદંબાનું ત્રિગુણાત્મિકા સ્વરૂપ છે. એમાં મહાકાળી માતાજી એ ક્રિયાશક્તિ છે. મા કાળી તો છે પણ એની સાથે કલ્યાણી પણ છે. એવું જ મહાકાળી માતાજીનું કલ્યાણકારી સ્વરૂપ ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં બિરાજમાન છે. જેના દર્શન માત્રથી આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રિવિધ તાપોનો નાશ થાય છે.

મહત્વની વાત તો એ છે કે, આ મંદિરમાં પૂર્ણિમાના દિવસે ભક્તજનો દર્શનનો લાભ અચૂક લે છે. મંદિરના પ્રાગટ્યની વાત કંઈક એવી રીતે છે કે, આશરે ૨૦૦ વર્ષ જૂનો શ્રીમહાકાળી (જોડવાળી) માતાજીનો આ ઈતિહાસ છે. આ અતિ ભવ્ય અને રમણીય મંદિર ચાચરિયા ગામથી આશરે એક કિલોમીટરના અંતરે આવેલું છે. ચાચરિયા ગામ એ ખેરાલુ તાલુકાના મહેસાણા જિલ્લામાં આવેલું છે. ગામ ઘણુ જ નાનું છે અને તે ગામમાં ચૌધરી, ઠાકોર, પ્રજાપતિ, લુહાર, હરિજન, દેવી પૂજક તેમજ ગોસ્વામી કોમની વસ્તી આવેલી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ રમણીય પ્રાચીન મંદિરનો ઈતિહાસ કંઈક અલગ જ છે. આવો તે તરફ એક દૃષ્ટિપાત કરીએ. ચાચરિયા ગામ કૃષિ અને પશુપાલન ઉપર નિર્ભર છે. ગામના બધાજ લોકો ભક્તિભાવથી હળીમળીને રહે છે. આ ગામની ભાગોળે એક પ્રાચીન શિવાલય પણ આવેલું છે. તેની બાજુમાં એક મોટું તળાવ છે અને તળાવની પાળે એક ઘેઘૂર ઘટાદાર વડનું વૃક્ષ પણ છે. તે વડની નીચે આશરે ૨૦૦ વર્ષ પહેલાં ગામના લોકો એક નાની કાચી માટીની દેરી બનાવી ત્યાં દેરીમાં દીવો કરી જ્યોતિ રૂપે શ્રીમહાકાળી માતાજીની પૂજા કરતા હતાં. વાર-તહેવારે માતાજીના વધામણાં કરતા હતાં. પરંતુ ત્યાં આગળ તે સમયે આજુબાજુ પુષ્કળ ગંદકી થતી હોવાથી ગામમાં રોગચાળો પણ ફાટી નીકળતો હતો. ત્યારે ગામના વડીલોએ વિચાર કર્યો કે આપણે શ્રીમહાકાળી માતાજીની પૂજા કરીએ છીએ પરંતુ આ જગ્યા સ્વચ્છ અને પવિત્ર નથી માટે કોઈ પવિત્ર સ્થાન નક્કી કરી આપણે શ્રીમહાકાળી માતાજીનું પૂજન કરીએ અને માતાજીને બિરાજમાન કરીએ.

ગામના વડીલોએ તે સમયના ગામના પુરોહિત જોષી કુટુંબના વડવાઓની સલાહ લીધી. આ ગામનું પૌરોહિત કર્મ જોષી કુટુંબના વડીલો સંભાળતા હતા અને વર્તમાન સમયમાં પણ જોષી કુટુંબના વડીલો જ આ કર્મ સંભાળે છે અને તેમના કહેવા પ્રમાણે ગામના વડીલોએ શ્રીમહાકાળી માતાજીનું સ્થાન બદલવાની રજા માંગી. તેમને રજા મળી, એટલે ગામથી આશરે એક કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં વિશાળ જગ્યા હતી, જ્યાં આગળ વરખડીના ઝાડોના ઝુંડ આવેલા હતા. છેવટે આ વિસ્તારમાં શ્રીમહાકાળી માતાજીની સ્થાપના સ્થળની પસંદગી કરી.

લોકવાયકા દ્વારા જાણવા મળ્યું કે, ગામના લોકો પોતાના મકાનો બનાવવા માટે મારવાડથી બળદ ગાડામાં લાકડા લઈને આવતાં હતાં ત્યારે આશરે બે ફૂટ લાંબુ લાકડાનું જાડું પાટિયું ગાડાની વાટની બાજુમાં પડી ગયેલ હતું અને અતિ વરસાદને કારણે તે પાટિયું જમીનમાં દટાયેલ હતું. ગામના લોકો વડ નીચે જે શ્રીમહાકાળી માતાજીની દેરી હતી તે જગ્યાએથી એક જ્યોત લઈને આ શ્રીમહાકાળી માતાજીના સ્થાન માટે જગ્યા શોધતા હતા અને જ્યારે ચાલતા ચાલતા તેઓ દટાયેલાં પાટિયા પાસે આવ્યા ત્યારે તે જ્યોત ત્યાંથી આગળ લઈ જઈ શકાઈ નહીં. ગામના લોકોને લાગ્યું કે આ જ સ્થળ શ્રીમહાકાળી માતાજીને પસંદ છે. તેથી તે વડીલોએ શ્રદ્ધા અને ભાવથી અખંડ જ્યોત તે પાટિયા પર પ્રગટાવી અને શ્રીમહાકાળી માતાજી જ્યોતિ સ્વરૂપે બિરાજ્યા. જેવી રીતે આપણાં ઘરે આત્મીયજન આવે અને આપણે એનું સ્વાગત કરીએ એવા ભાવથી જ ગ્રામજનોએ સ્વાગત કર્યું.

આ ગામના પ્રજાજનો માટે મહાકાળી માતાજી જ સર્વસ્વ હતાં. એમના ચરણોની સેવા એ ગ્રામજનોનું લક્ષ્ય હતું. પાટિયાની આજુબાજુ ઈંટોની નાની દેરી બનાવી – વરખડીના ઝાડોની છાંયામાં નાની સરખી દેરીમાં પાટિયા પર જ્યોત મૂકી ગામના લોકો શ્રીમહાકાળીનું શ્રદ્ધા અને ભાવથી જ્યોતિ રૂપે પાટિયાને માતાજીનું સ્વરૂપ માની પૂજા કરવા લાગ્યા. ગામની નજીક વરખડીના પુષ્કળ ઝાડ હતાં તેથી તે સમયના લોકોએ શ્રીમહાકાળી માતાજીને જોડવાળી કહીને પણ યાદ કરતા હતાં એટલે આજે પણ ચાચરિયા ગામની સીમમાં શ્રીમહાકાળી માતાજીને જોડવાળી કહેવામાં આવે છે.

તે સમયમાં દિવસેને દિવસે માતાજીનું નામ ગુંજવા લાગ્યું. ચાચરિયા ગામની નજીકના અને આજુબાજુના ગામો જેવા કે ઉપેરા, જાસકા, સૂંઢીયા, મછાવા, ઉમતા વિગેરે ગામના તેમજ દૂર-દૂર શહેરના ભક્તો ભક્તિભાવ અને શ્રદ્ધાથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીના દર્શને આવવા લાગ્યા.

શ્રીમહાકાળી (જોડવાળી) માતાજીનો મહિમા જેમ-જેમ વધવા લાગ્યો તેમ-તેમ ગામના લોકોને લાગ્યું કે આપણે માતાજીની એક ઓરડી બનાવવી જોઈએ અને તેનો પ્રારંભ પણ કર્યો અને માતાજીની પાટલીને ઊંચી કરી તેના પર દીવા મૂકવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તે પાટલી ત્યાંથી બિલકુલ ઊંચી જ ના થઈ શકી. તેથી માતાજીની ઈચ્છા સમજી આજુબાજુ પ્લાસ્ટર કરીને એક જાડી ઓરડી પતરાં વાળી બનાવી. વર્ષો સુધી આ જૂની ઓરડીમાં પાટલી ઉપર દીવા મૂકી પૂજા-અર્ચના કરવા લાગ્યા.

ચાચરિયા ગામના લોકો નવરાત્રિમાં આસો સુદ નોમની રાત્રે માતાજીની પલ્લીનો ઉત્સવ મનાવે છે. તે દિવસે જોષી કુટુંબના સભ્યો માતાજીનો નૈવેદ્ય ચાચરિયા ગામમાં બનાવે છે અને ત્યાંથી ચાચરિયા ગામના લોકો બાજોઠ પર ખંડ ભરી તેના પર દીવા મૂકી, ભક્તિ-ભાવથી ગામમાંથી લઈ માતાજીના મંદિરે આવે છે. મંદિરમાં માતાજીની પલ્લી મૂકી પૂજન કરે છે. ત્યારબાદ બાજોઠ ઉપર ગોઠવેલ પ્રસાદ બધાજ ભક્તો ગ્રહણ કરે છે. આની પાછળ ગામના લોકોની અતૂટ શ્રદ્ધા છે કે શ્રીમહાકાળી માતાજી અમારા ગામનું ચોવીસે કલાક રક્ષણ કરે છે.

ચાચરિયા ગામમાં માતા મહાકાળીનું મંદિર

જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ શ્રીમહાકાળી માતાજી ઉપર ભક્તજનોની શ્રદ્ધા અનેકગણી વધવા લાગી તેથી આજુબાજુના બધા ગામોના અને દૂર દૂરના શહેરોના ભક્તજનોને લાગ્યું કે આપણે ભવ્ય મંદિર બનાવવું જોઈએ અને એ પ્રેરણા માતાજીએ જ કરી. સૂંઢીયા ગામના પરમ ભગવદીય તારાબેન જોષી કે જેમને મહાકાળી માતાજી પર અતૂટ શ્રદ્ધા હતી અને તેમના માતૃશ્રી પરમ ભગવદીય લીલાબા તો ભક્તિની વહેતી અખંડ ગંગા હતી, સ્નેહની સરિતા હતી અને એમના સંસ્કારના બીજ સમગ્ર જોષી પરિવાર અને તારાબેનની અંદર રોપાયા અને દરેકને પ્રોત્સાહન આપી માતાજીએ આપેલું ધન માતાજીના કાર્યોમાં વાપરી મંદિર બનાવવા માટે વધુ દાન આપવાની જાહેરાત કરી.

જેવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા અને ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપ્યો તેવી જ રીતે મંદિર નિર્માણરૂપી તારાબેને ગિરિરાજજી ધારણ કર્યા અને સૌ ભક્તજનો એમના ટેકા સ્વરૂપ બન્યા. ત્યાર બાદ ભક્તજનોએ પણ ભાવથી દાન આપી આ મંદિરના નિર્માણમાં સહકાર આપ્યો. માત્ર અલ્પ સમય કહેતા દોઢ વર્ષની અંદર માતાજીના આશીર્વાદથી અતિશીઘ્ર મણિદ્વીપ ધામ સમાન રમણીય મંદિરનું નિર્માણ થયું. તેની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ ત્રણ દિવસ ચાલ્યો અને માતાજીની રજા લઈ શ્રી મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના વર્ષ ૨૦૦૦ ની સાલમાં કરી. આસો વદ બારસના દિવસે સમસ્ત ગ્રામજનો મંદિરનો આ પ્રતિષ્ઠા યજ્ઞનો વાર્ષિક પાટોત્સવ મનાવે છે. તે દિવસે સમગ્ર ગામનો ઉત્સાહ અનેરો જોવા મળે છે.

માતાજી હમેશાં ભક્તજનોનું કલ્યાણ કરતા રહ્યા છે. મારા અનુભવની વાત કરું તો એક પ્રજ્ઞા ચક્ષુની પ્રજ્ઞા માતાજીએ જ પ્રગટાવી છે. જ્યારથી એમના દર્શન કર્યા છે ત્યારથી અંધત્વનો અહેસાસ થયો નથી. જ્યારે-જ્યારે ચાચરિયા આવું અને માતાજીના દર્શન કરું ત્યારે-ત્યારે એમ લાગે કે જેમ નાનો બાળક માના ખોળામાં બેસે અને બાળકને જે આનંદ થાય તેવી જ રીતે મહાકાળી માતાજીના ધામમાં આજે હું જાઉ છું ત્યારે પ્રસન્નતા થાય છે અને એટલે જ મને ગરબાની પંક્તિ યાદ આવે છે કે.. “તું કાળી ને કલ્યાણી ઓ મા, જ્યાં જોવું ત્યાં જોગમાયા.”

આ પણ વાંચોઃ કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા

આ પણ વાંચોઃ સ્વયં સુતજીએ વર્ણવ્યો દેવી ભાગવતનો મહિમા, મોક્ષની પ્રાપ્તિ કરાવશે શ્રીમદ્ દેવી ભાગવતની કથા !

Next Article