હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે જાતકો એકાદશીનું વ્રત અને પૂજન કરતા હોય છે. આ વર્ષે કામિકા એકાદશી 13 જુલાઇ, ગુરુવારના દિવસે આવી રહી છે. કામિકા એકાદશીનું વિશેષ મહત્વ એટલે પણ છે કે આ વર્ષની એકાદશીએ ગુરુવારનો શુભ સંયોગ સર્જાવાનો છે એટલે આપ ભગવાન વિષ્ણુની સાથે પૂર્વજોની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશો. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત બ્રહ્માજીએ પણ રાખેલું હતું.
કામિકા એકાદશી વ્રતનું એક ફળ તો એ છે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. બીજું સૌથી મહત્વપૂર્ણ ફળ એ મળે છે કે એકાદશીની રાત્રે શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું વિધાન છે. જો આપ એકાદશીના દિવસે આ રીતે દીવો પ્રજવલિત કરો છો તો આપના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપને પૂર્વજોને અમૃત પીપડાવવા સમાન લાભ મળે છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર કામિકા એકાદશીમાં જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. કામિકા એકાદશીની પૂજાથી સમસ્ત દેવતા, ગંધર્વ અને સૂર્યની પૂજાનું ફળ મળે છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને દરેક કષ્ટોનો અંત આવે. આ મહિનામાં કામિકા એકાદશીનું મહત્વ વધી જાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના આરાધ્ય દેવ શ્રીશિવ છે અને ભગવાન શિવના આરાધ્ય દેવ છે ભગવાન વિષ્ણુ. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની સાથે ભગવાન શિવની પૂજા કરવાથી આપના દરેક અટકેલા અને બગડેલા કાર્યો સારા થાય છે.આ વ્રત કરવાથી ઉપાસકોની સાથે સાથે પિતૃઓના કષ્ટ પણ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ફળ સિવાય દૂધ, દહીં અને અન્ય ફળાહાર જેમ કે સાબુદાણા, શિંઘોડાનો લોટ આ વસ્તુમાંથી બનેલ બનાવટો અને ફળાહારનો ઉપયોગ કરી શકાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)