સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, તેનો અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
અમારે આજે ગુજરાતના (gujarat) પર્વતરાજ મનાતા ગિરનારની (girnar) વાત કરવી છે. કહે છે કે વ્યક્તિએ જીવનમાં ગમે તેટલાં સારા કર્મ કર્યા હોય, પણ, જો તેણે એકવાર પણ ગિરનારના દર્શન નથી કર્યા તો માનજો કે તેનો તો આખોય જન્મારો એળે ગયો છે. અને એમાંય જેણે ગિરનારની પરિક્રમા કરવાનું સૌભાગ્ય મેળવી લીધું, તેણે તો જાણે જન્મો જન્મનું પુણ્યનું ભાથું બાંધી લીધું. અલબત્, છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને લીધે માહોલ થોડો અલગ જોવા મળે છે.
કોરોનાકાળમાં અનેક વિચારણાઓ બાદ આ વર્ષે આ પાવની યાત્રાનો પ્રારંભ થયો છે. દર વખતની જેમ ભલે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં નથી જોડાઈ શક્યા. પરંતુ, કેટલાંક ભક્તોને આ સૌભાગ્ય જરૂર સાંપડ્યું છે. ત્યારે આવો જાણીએ કે પૌરાણિકકાળમાં કયા કયા દેવતાઓ તેમજ મહાનુભાવોએ પણ આ યાત્રા કરી હતી.
ગિરનારની પરિક્રમા એ લીલી પરિક્રમા, (lili parikrama) લીલી પરકમ્મા તેમજ લીલુડી પરકમ્મા જેવા નામોથી પણ ઓળખાય છે. તેનો પ્રારંભ દેવઉઠી એકાદશીની મધ્યરાત્રીએ થાય છે. જ્યારે પૂર્ણાહુતિ થાય છે કારતક સુદ પૂર્ણિમાના રોજ. લોકમાન્યતા અનુસાર ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. અને એટલે જ તેની પ્રદક્ષિણા દ્વારા દેવી-દેવતાઓની આરાધનાનો મહિમા છે. લીલી પરકમ્માનો પ્રારંભ ક્યારથી થયો તે કહેવું તો મુશ્કેલ છે. પરંતુ, તેમના જીવનકાળ દરમિયાન અનેક મહાનુભાવોએ આ લીલી પરિક્રમામાં ભાગ લીધો હોવાનું મનાય છે.
લોકમાન્યતા અનુસાર જ્યારે ગિરનારનું એટલે કે રેવતાંચળનું પ્રાગટ્ય થયું, ત્યારે સર્વપ્રથમ 33 કરોડ દેવી-દેવતાઓએ તેની પ્રદક્ષિણા કરી હતી. તો રામાવતાર પહેલાં શ્રવણકુમાર પણ તેમના માતા-પિતાને લીલી પરિક્રમા કરાવવા આવ્યા હતા. તેમના જીવનકાળ દરમિયાન શ્રીરામચંદ્રજી, પાંડવો તેમજ અશ્વત્થામા પણ ગિરનારની પરિક્રમાએ આવ્યા હોવાનો ઉલ્લેખ છે. તો, નળદમયંતી, રાજાભોજ તેમજ ગોપીચંદન ભરથરીએ પણ આ પરિક્રમા કરી હોવાની લોકવાયકા છે.
એવું પણ કહે છે કે વસવાટ માટે ગુજરાતની દ્વારિકા પર પસંદગી ઉતારનાર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પણ લીલી પરિક્રમાએ આવ્યા હતા. અને આ પરિક્રમા દ્વારા જ ઉત્તમ પદને પામ્યા હતા. ગિરનારની લીલી પરિક્રમા કરનારાઓમાં ભગવાન શ્રીસ્વામીનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદજી, મુક્તાનંદજી, અખંડાનંદજી, ભગવતી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તેમજ યોગીજી મહારાજનો પણ સમાવેશ થાય છે.
ગિરનારનો સ્વયંનો તો અદકેરો મહિમા છે જ. પણ, સાથે જ આ ધરા અનેક મહાનુભાવોના ચરણકમળથી પાવન થઈ છે. અને એટલે જ તો ભક્તોને મન તેની પ્રદક્ષિણાનો મહિમા છે. લોકવાયકા અનુસાર ગિરનારની લીલી પરિક્રમા કરનારને ચારધામના દર્શનના પુણ્યની પ્રાપ્તિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?
આ પણ વાંચોઃ પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?