Jagannath Rathyatra 2022 : ભક્ત સારંગદાસની ભક્તિને વશ થઈ અમદાવાદમાં પધાર્યા હતા પ્રભુ જગન્નાથ !
પુરીની (Puri) જ પરંપરા અનુસાર પ્રભુનું પૂજન-અર્ચન કરી મૂર્તિઓને શણગારેલા બળદગાડામાં મૂકવામાં આવી. કર્ણાવતીમાં વાજતે-ગાજતે તેમની શોભાયાત્રા નીકળી. પછી વૈદિક વિધિથી મંદિરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ.
ઑડિશાના (Odisha) જગન્નાથપુરીની (Jagannathapuri) જેમ જ અમદાવાદમાં (Ahmedabad) પણ દર અષાઢી બીજે જગન્નાથજીની (lord jagannath) રથયાત્રા (Rath Yatra) નીકળે છે. ભક્તો સમગ્ર વર્ષ આ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ નિહાળતા હોય છે. પણ, ઘણાં ઓછાં શ્રદ્ધાળુઓને એ વાતનો ખ્યાલ હશે કે પ્રભુ જગન્નાથજીનું અમદાવાદમાં આગમન થયું કેવી રીતે ? પ્રભુ જગન્નાથજીના અમદાવાદમાં આગમનની કથા અત્યંત રસપ્રદ છે. ત્યારે આવો, આજે આપને પણ જણાવીએ આ કથા.
અમદાવાદમાં હાલ જ્યાં જગન્નાથજીનું ભવ્ય મંદિર છે તે સ્થાન પર પહેલાં માત્ર હનુમાનજીનું જ મંદિર હતું. આ મંદિરમાં શ્રીરામાનંદી વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયના મહંત શ્રીસારંગદાસજી કરીને થઈ ગયા. તેઓ એકવાર ભારત ભ્રમણે નીકળ્યા અને પુરી જગન્નાથ ધામમાં સાત વર્ષ રહ્યા. સારંગદાસજી જગન્નાથ પ્રભુના પરમ ભક્ત હતા. તેમણે તેમની જિંદગીના છેલ્લાં વર્ષો ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં પુરીમાં જ વિતાવવાનો નિર્ણય લીધો. પણ, ત્યાં જ એક રાત્રીએ ભગવાન જગન્નાથજીએ તેમના સ્વપ્નમાં આવીને કહ્યું કે, “મારા સાનિધ્યમાં અહીં પુરી ન રહેતા કર્ણાવતી જા. ત્યાં મારું મંદિર બનાવી મારી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કર. પછી મારા સાનિધ્યમાં કર્ણાવતીમાં જ રહી પાછલી જિંદગી પૂર્ણ કરજે.””
જગન્નાથ પ્રભુનો આદેશ મળતાં જ સ્વામી સારંગદાસજી કર્ણાવતી, એટલે કે હાલના અમદાવાદના તેમના આશ્રમમાં પરત ફર્યા. કર્ણાવતી પરત ફરતાં જ સ્વામી સારંગદાસજીએ આશ્રમની તમામ જવાબદારીઓ પુન: સંભાળી લીધી. તેમણે તેમના શિષ્યો, સેવકો અને ભક્તજનોને તેમના સ્વપ્નની વાત કરી અને સૌએ આ વાતને સહર્ષ વધાવી લીધી. મંદિરના નિર્માણ માટે અમદાવાદના પ્રજાજનોએ દાનનો વરસાદ વરસાવ્યો. આ તરફ અમદાવાદમાં મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું. બીજી તરફ પુરીમાં શરૂ થયું જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓના નિર્માણનું કામ.
જમાલપુરમાં આવેલાં હનુમાન મંદિરની પાસે જ જગન્નાથજી માટે ભવ્ય મંદિરનું નિર્માણ થયું. જગન્નાથજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમની સ્વયં સૂઝ અને સેવકોના સહકારથી સંત શ્રીનરસિંહદાસજીએ કર્યું. તે દિવસે પુરીની જ પરંપરા અનુસાર પ્રભુનું પૂજન-અર્ચન કરી મૂર્તિઓને શણગારેલા બળદગાડામાં મૂકવામાં આવી. કર્ણાવતીમાં વાજતે-ગાજતે તેમની શોભાયાત્રા નીકળી. પછી વૈદિક વિધિથી મંદિરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. એ શુભ પ્રસંગે મહાભંડારો રખાયો અને ભાવિક દર્શનાર્થીઓને માલપુડાનો પ્રસાદ અપાયો.
હર્ષોલ્લાસ સાથે જગતના નાથનું પુરીથી અમદાવાદ આગમન થયું. તેમજ સૌ પ્રથમ વર્ષ 1878માં મંદિરના તે સમયના મહંત શ્રીનરસિંહદાસજી મહારાજના નિર્દેશ મુજબ જગન્નાથજીની રથયાત્રા નીકળી. પ્રભુની નગરચર્યાની આ પ્રથા આજે પણ હર્ષોલ્લાસ સાથે ચાલું છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)