પ્રસાદ માત્ર ખાવાની વસ્તુ નથી, ભગવાનનો આશીર્વાદ છે ! જાણો કેમ પૂજા પછી અન્ય લોકોને પ્રસાદ આપવો છે અનિવાર્ય
પૂજા પછી ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદનું વિતરણ કરવું એ એક ખાસ પરંપરા છે. પૂજા પૂર્ણ થયા પછી મંદિર હોય કે ઘર બધામાં પ્રસાદ વહેંચવામાં આવે છે. ચાલો જાણીએ કે પૂજા પછી પ્રસાદ વિતરણની પરંપરા શા માટે અનુસરવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે.

હિંદુ ધર્મમાં પૂજા, પાઠ, જપ, ધ્યાન અને યજ્ઞને વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ પૂજા ત્યાં સુધી અધૂરી માનવામાં આવે છે જ્યાં સુધી તેનો પ્રસાદ અન્ય લોકોમાં વહેંચવામાં ન આવે? ઘણા લોકો પૂજા પૂર્ણ થયા બાદ પ્રસાદ પોતે જ ગ્રહણ કરી લે છે. અથવા માત્ર પરિવાર પૂરતો મર્યાદિત રાખે છે. જ્યારે શાસ્ત્રોમાં પ્રસાદ વહેંચવાનું વિશેષ અને ઊંડું મહત્ત્વ જણાવવામાં આવેલું છે.
પ્રસાદ વહેંચવો કેમ માનવામાં આવે છે શુભ?
ધાર્મિક માન્યતા અનુસાર, પૂજા પછી પ્રસાદ આપવાથી ભગવાનની કૃપા અને આશીર્વાદ સૌને મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રસાદ લોકો સાથે વહેંચે છે ત્યારે તે માત્ર પ્રસાદ જ નહીં પરંતુ સકારાત્મક ઊર્જાનું પણ વિતરણ કરે છે. માન્યતા છે કે પ્રસાદનું ગ્રહણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ધન-ધાન્યની અછત રહેતી નથી. પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. તેથી પ્રસાદ હંમેશા પરિવાર તેમજ આસપાસના લોકો સાથે વહેંચવાની પરંપરા છે.
પ્રસાદનું વિતરણ પૂજાની પૂર્ણતાનું છે પ્રતીક
ધાર્મિક પરંપરાઓમાં, પૂજા પ્રસાદના વિતરણ સાથે સમાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે. જેમ પૂજામાં મંત્રો, આરતી અને ભોગનું પોતાનું મહત્વ છે તેમ પ્રસાદનું વિતરણ પણ પૂજાનો એક ભાગ માનવામાં આવે છે.
પ્રસાદ સ્વીકારતી વખતે આ બાબતો રાખો ધ્યાનમાં
પ્રસાદ હંમેશા આદર સાથે સ્વીકારવો જોઈએ. તેને ક્યારેય અનાદરથી લેવો જોઈએ નહીં કે ફેંકી દેવો જોઈએ નહીં. જો વધારે પ્રસાદ હોય તો તેને અન્ય ભક્તોને વહેંચવાનું વધુ સારું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ પ્રસાદનું સન્માન કરવું એ ભગવાન પ્રત્યે આદર દર્શાવવા સમાન છે.
શું કહે છે ધાર્મિક માન્યતા?
સનાતનમાં, પ્રસાદનું વિતરણ કરવાનો હેતુ ફક્ત ધાર્મિક વિધિ પૂર્ણ કરવાનો નથી. પરંતુ લોકોમાં પ્રેમ, સમાનતા અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ જ કારણ છે કે મંદિરોમાં એકસાથે હજારો લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ સંદેશ આપે છે કે ભગવાનની કૃપા પર દરેકનો સમાન અધિકાર છે.
