Ganesh Chaturthi 2021: અહીં પત્ર લખી ભક્તો ગજાનન સુધી પહોંચાડે છે તેમની મનશા, જાણો ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા

આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં તમને મંદિરમાં જોવા મળશે ઢગલાબંધ પત્રો, એટલે કે ટપાલો ! અહીં મંદિરમાં તમને જોવા મળશે ટપાલ લખતાં ભક્તો અને સાથે જ જોવા મળશે પૂજારીના હાથમાં ‘ટપાલ’નો થપ્પો !

Ganesh Chaturthi 2021: અહીં પત્ર લખી ભક્તો ગજાનન સુધી પહોંચાડે છે તેમની મનશા, જાણો ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા
ઢાંકમાં સ્વયંભૂ સિદ્ધિ વિનાયકના દર્શન

એકદંતા શ્રીગણેશ (Shree Ganesha) એટલે તો સદૈવ ભક્તોના હૃદયમાં વસનારા દેવ. આ મંગલમૂર્તિનું (Mangalmurti) રૂપ જ કંઈક એવું છે કે તેમના દર્શન માત્ર ભક્તોના મનને પ્રસન્નચિત્ત કરી દે છે અને એ જ કારણ છે કે ભક્તો ગજાનનના દિવ્ય રૂપનું દર્શન કરવા વિવિધ સ્થાનકોનું શરણું લેતા રહે છે. પણ, અમારે આજે વાત કરવી છે એક ખૂબ જ અનોખાં ગણેશ મંદિરની. એ મંદિરની કે જ્યાં વિઘ્નહર્તાને પત્ર લખી ભક્તો તેમની મનોકામના પહોંચાડે છે ! જી હાં, પત્ર લખીને.

રાજકોટના ઉપલેટાથી લગભગ 22 કિ.મી.ના અંતરે ઢાંક નામે ગામ આવેલું છે. આ ગામમાં વિદ્યમાન શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં મંદિરમાં સિંહ પર આરૂઢ ગજાનનના શ્રદ્ધાળુઓને દર્શન થઈ રહ્યા છે. વિઘ્નહરનું આ દિવ્ય રૂપ ભક્તોની સર્વ મનશાઓને સિદ્ધ કરનારું મનાય છે. પણ, જાણો છો આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા શું છે ?

આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં તમને મંદિરમાં જોવા મળશે ઢગલાબંધ પત્રો, એટલે કે ટપાલો ! અહીં મંદિરમાં તમને જોવા મળશે ટપાલ લખતાં ભક્તો અને સાથે જ જોવા મળશે પૂજારીના હાથમાં ‘ટપાલ’નો થપ્પો ! આ જોઈને પ્રશ્ન થવો સ્વભાવિક છે, કે એક મંદિરમાં શું કરી રહ્યા છે આટલાં બધાં પત્રો ?

ઢાંકમાં આવેલું વિઘ્નહર્તાનું આ સ્થાનક એ સૌરાષ્ટ્રના પ્રાચીન ગણેશ મંદિરોમાંથી એક છે. અહીં શ્રી ગણેશનું સ્વયંભૂ જ પ્રાગટ્ય થયું હોવાની લોકવાયકા છે. અલબત્ આજે તો આ સ્થાનક પ્રસિદ્ધ છે તેની સાથે જોડાયેલા આ પત્રોને લીધે. આ પત્રો દ્વારા ભક્તો તેમની મનશા અભિવ્યક્ત કરે છે અને માન્યતા તો એવી પણ છે કે વક્રતુંડ આ એકે એકે પત્રનો જવાબ પણ આપે છે ! એ પણ, ભક્તોની મનોકામના પૂર્ણ કરીને.

વાસ્તવમાં ભક્તો પત્રના માધ્યમથી તેમના સંતાપો કે ઈચ્છાઓ લખીને વિઘ્નહર્તાને ટપાલના માધ્યમથી મોકલે છે. મંદિરના પૂજારી એકાંતમાં દરેક પત્ર ગજાનનને વાંચી સંભળાવે છે. આ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. માન્યતા એવી છે કે આ પત્ર સાંભળી એકદંતા ભક્તની મનોકામનાને પૂર્ણ પણ કરે છે.

By writing a letter here the devotees convey their wish to Gajanan Know the glory of Siddhivinayak of Dhank

મનોકામના પૂર્તિ રૂપે ભક્તોના પત્રોનો જવાબ આપે છે આ સિદ્ધિવિનાયક !

મંદિરોમાં ટપાલોના આવવાનો અને પૂજારી દ્વારા તેના એકાંતમાં વંચાવાનો આ સીલસીલો આ સ્થાનકમાં લગભગ ત્રણ દાયકાથી ચાલી રહ્યો છે. માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો અહીં વિઘ્નહર્તાને ટપાલ મોકલે છે. અહીં નિત્ય જ લગભગ 40 જેટલી ટપાલો આવે છે અને ગણેશ ચતુર્થીથી દિવાળી સુધીમાં આ આંક લગભગ 150 જેટલો થઈ જાય છે.

અનેરો જ છે ટપાલ સાંભળી, ભક્તોની મનશાને પરિપૂર્ણ કરતા ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા અને એટલે જ તો તેમના પર સતત દ્રઢ થઈ રહી છે શ્રદ્ધાળુઓની આસ્થા.

 

આ પણ વાંચોઃ શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

આ પણ વાંચોઃ મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ

Click on your DTH Provider to Add TV9 Gujarati