ટેસ્લાનો પહેલો શોરૂમ 15 જુલાઈએ આ શહેરમાં ખુલશે, એલોન મસ્ક રહી શકે છે હાજર, નવુ મોડલ કરાશે લોન્ચ
ખુબ લાંબી પ્રતિક્ષા બાદ હવે, ટેસ્લા ભારતમાં પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક અહેવાલ સામે આવ્યા છે કે, આગામી 15 જુલાઈએ ટેસ્લા પોતાનો પહેલો શોરૂમ ખોલશે. આ દિવસે ટેસ્લાની પહેલી ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

ટેસ્લા કંપની 15 જુલાઈ, 2025ના રોજ ભારતમાં પોતાનો પહેલો શોરૂમ શરૂ કરવા જઈ રહી છે. લોન્ચ ઇવેન્ટ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે યોજાશે. એવું માનવામાં આવે છે કે, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પોતે આ ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. એટલું જ નહીં, આ પ્રસંગે તેઓ ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત પણ કરી શકે છે.
ટેસ્લા મુંબઈના BKC વિસ્તારમાં ભારતમાં પોતાનો પહેલો સત્તાવાર શોરૂમ ખોલી રહી છે. આ શોરૂમમાં, ગ્રાહકો ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર અને ટેકનોલોજીને નજીકથી જોઈ શકશે. ટેસ્લા ભારતમાં સૌપ્રથમ મોડેલ Y કાર લોન્ચ કરશે. જેની કિંમત આશરે રૂપિયા 70 લાખ (એક્સ-શોરૂમ) હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ કાર ટેસ્લાની જર્મની સ્થિત ફેક્ટરીમાંથી ભારતમાં લાવવામાં આવશે, જ્યાં જમણી સાઈડમાં આવેલ સ્ટીયરિંગ કાર બનાવવામાં આવે છે. જે ભારત માટે જરૂરી છે.
ટેસ્લા કાર આ દેશમાંથી આયાત કરવામાં આવશે
મોડેલ Y ભારતમાં ટેસ્લાની મુખ્ય કાર હશે, પરંતુ ભવિષ્યમાં કંપની વધુ મોડેલ લાવવાની યોજના બનાવી રહી છે, કારણ કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. શરૂઆતમાં, ટેસ્લા ભારતમાં વાહનો આયાત કરશે, પરંતુ ભવિષ્યમાં કંપની ભારતમાં જ વાહનોનું ઉત્પાદન કરવાનું પણ વિચારી શકે છે. ભારત સરકાર નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ પર કામ કરી રહી છે, જેમાં સ્થાનિક ઉત્પાદક કંપનીઓને કર મુક્તિ અને અન્ય લાભો મળી શકે છે. આ ટેસ્લાને ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરી શકે છે.
સ્ટારલિંક પણ શરૂ કરી શકે છે
ટેસ્લાની સાથે, એલોન મસ્ક ભારતમાં તેની ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પણ શરૂ કરી શકે છે. તાજેતરમાં, સ્ટારલિંકને ભારતના IN-SPACE વિભાગ તરફથી સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા પૂરી પાડવા માટે મંજૂરી મળી છે. સ્ટારલિંકનો હેતુ દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવાનો છે. જોકે, તેને સંપૂર્ણ રીતે લોન્ચ કરતા પહેલા કેટલીક વધુ સરકારી મંજૂરીઓ મેળવવી જરૂરી રહેશે. 15 જુલાઈના રોજ યોજાનારી ટેસ્લાની આ લોન્ચ ઇવેન્ટ ભારતના ઓટોમોબાઈલ અને ડિજિટલ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટેસ્લાની મોડેલ વાય કારના લોન્ચ સાથે સ્ટારલિંકની જાહેરાત પણ થઈ શકે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..