ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ ગયા હોય તો તમારી કાર કેવી રીતે ચલાવશો ? આ 4 ટીપ્સ તમને થશે ઉપયોગી
ચોમાસામાં ઘણીવાર ભરેથી અતિ ભારે વરસાદ વરસે ત્યારે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ચોમાસામાં વરસતા વરસાદ કે પાણી ભરાયેલા માર્ગ પર વાહન ચલાવતી વખતે અકસ્માતની શક્યતા વધી જાય છે. ઘણી વખત મોટી દુર્ઘટના પણ બને છે. આવી સ્થિતિમાં, તમને વાહન ચલાવવા માટે ઉપયોગી થઈ પડે તેવી ટિપ્સ છે.

ચોમાસાની ઋતુમાં વરસાદ વરસવાથી કાળઝાળ ગરમી ઓછી થવાથી સૌ કોઈને રાહત મળે છે, પરંતુ રસ્તાઓ લપસણા અને વરસાદી પાણી ભરાવા જેવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. આનાથી માર્ગ અકસ્માતનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તાજેતરમાં, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક બાઈકચાલક વાહન સાથે તણાઈ ગયો હતો. જેમાં તેનુ મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં, જો તમે વરસાદ દરમિયાન વાહન ચલાવી રહ્યા છો, તો તમે કેટલીક જરૂરી સાવચેતી રાખીને પોતાને અને તમારા વાહનને સુરક્ષિત રાખી શકો છો.
ધીમેથી વાહન ચલાવો
ઘણીવાર લોકો વાહન ચલાવતી વખતે પાણી ભરાયેલા રસ્તાને જોઈને ગભરાઈ જાય છે. આ સ્થિતિમાં, સૌ પ્રથમ શાંત રહો અને એક ઊંડો શ્વાસ લો. પહેલા ગિયરમાં વાહન ચલાવો. ધીમે ધીમે એક્સિલરેટર દબાવો જેથી પાણીની છાલક ઉડે નહીં, કારણ કે પાણીની છાલકથી એન્જિનમાં પાણી જઈ શકે છે. થ્રોટલને સતત દબાવતા રહો જેથી પાણી એન્જિનમાં ના જાય. જ્યારે તમે પાણીમાંથી બહાર આવો, ત્યારે રસ્તાની ડાબી બાજુમાં સલામત રોકાઈ જાઓ અને ન્યુટ્રલ કરીને બ્રેક પર પગ રાખીને એક્સિલરેટરને થોડીવાર માટે દબાવો જેથી સાયલેન્સરમાં જો પાણી ભરાઈ ગયું હશે તો તે પાણી બહાર નીકળી શકે.
વચ્ચેની લેનમાં વાહન ચલાવો
રસ્તામાં વચ્ચેની લેનમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું પાણી હોય છે. જો તમને ટ્રાફિક નિયમો અનુસાર લેન બદલવાનું યોગ્ય ના લાગે, તો પણ ચોમાસા દરમિયાન વચ્ચેની લેન સૌથી સલામત માનવામાં આવે છે. જો વાહનો ત્યાં ચાલી રહ્યા હોય, તો થોડી ધીરજ રાખો અને વાહનો પસાર થયા પછી તે લેનમાં આવીને વાહન ચલાવો
બ્રેક સૂકવવી મહત્વપૂર્ણ
જો તમે પાણીમાં કાર ચલાવી હોય, તો બહાર આવ્યા પછી બ્રેક તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રેક પેડલ અને ડિસ્ક અથવા ડ્રમમાં પાણી જઈ શકે છે, જેના કારણે બ્રેક્સ યોગ્ય રીતે કામ કરતા નથી. ખાલી અને સલામત રસ્તા પર થોડી ઝડપથી વાહન ચલાવો અને 2-3 વાર ધીમે ધીમે અને જોરથી બ્રેક્સ લગાવો. આનાથી અંદર ફસાયેલું પાણી નીકળી જશે અને બ્રેકિંગ સિસ્ટમ સામાન્ય થઈ જશે. જો વાહન લપસે, તો ગભરાશો નહીં, જોરથી બ્રેક ના લગાવો, ફક્ત ધીમે ધીમે એક્સિલરેટર છોડો અને બ્રેક પર હળવું દબાણ કરો.
લપસવાથી કેવી રીતે બચવું
જ્યારે ટાયર અને રસ્તા વચ્ચે પાણીનુ સ્તર આવી જાય છે ત્યારે વાહન લપસવા લાગે છે. સ્લિપેજ થાય છે. આવી સ્થિતિમાં, વાહન નિયંત્રણ ગુમાવતુ હોય છે. આને ટાળવા માટે, વરસાદમાં ધીમે ધીમે વાહન ચલાવો, ટાયર ઉપર સારી પકડ હોવી જોઈએ. ટાયરમાં હવાનુ દબાણ યોગ્ય રાખો. શક્ય હોય ત્યાં સુધી, ખાડાઓ અથવા પાણી ભરેલા વિસ્તારો ટાળો.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.