ઠંડીનું પ્રમાણ એક સમાન હોવા છતા બધાને એક સરખી ઠંડી કેમ નથી લાગતી ? જાણો
શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તેની અસર દરેક પર એક સરખી નથી વર્તાતી. કેટલાક લોકોને ઠંડી ઓછી લાગે છે, જ્યારે કેટલાક લોકોને ઠંડીથી ધ્રુજારી આવી જાય છે. આવું કેમ થાય છે ? શા માટે સમાન તાપમાને કેટલાકને વધુ તો કેટલાકને ઓછી ઠંડી લાગે છે? આ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?
સમગ્ર દેશમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના દિવસોમાં વહેલી સવારે ઉઠવાનું ગમતુ નથી. ઠંડા પવનથી શરીરમાંથી આછી ધ્રુજારી નીકળી જાય છે. તો કેટલાકને આ ઠંડીનો માહોલ ખૂબ ગમે છે. પરંતુ શું તમે આ ઠંડીમાં એક રસપ્રદ વાત નોંધી છે ? બે પ્રકારના લોકો હોય છે. જેમાં એક, જેઓ ઠંડી વિશે ફરિયાદ કરે છે – “બહુ ઠંડી છે!” અને બીજા કે જેઓ આવી ઠંડીને માણે છે અને કહે છે, “અરે, આ તે કાંઈ ઠંડી કહેવાય.” હવે સવાલ એ થાય છે કે આવું કેમ થાય છે? છેવટે, એક જ ઋતુમાં, સમાન તાપમાને, શા માટે કેટલાક લોકો ઠંડીથી ધ્રૂજી જાય છે અને કેટલાક ઠંડીને હસતા હસતા માણે છે? શું આ માત્ર શરીરના બંધારણમાં તફાવત છે, કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?
ઠંડીનું વિજ્ઞાન સમજો
પહેલા સમજો કે તમને ઠંડી કેમ લાગે છે. હકીકતમાં, શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો સતત ઘટતો જાય છે. તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન લગભગ 98.7 ડિગ્રી ફેરનહીટ એટલે કે 37.05 ડિગ્રી સેલ્સિયસમાં હોય છે. જ્યારે ઠંડીની મોસમમાં વાતાવરણનું તાપમાનમાં સતત વધ ઘટ થતુ રહે છે. ક્યારેક તે 10 ડિગ્રી, ક્યારેક 15 ડિગ્રી અથવા ક્યારેક 5-6 ડિગ્રી થઈ જતુ હોય છે. એટલે કે શરીરની બહારનું તાપમાન, શરીરના તાપમાન કરતા ઓછું હોય છે.
હાયપોથેલેમસ આપણા શરીરના તાપમાનનું સંચાલન કરે છે. આ આપણા મગજનો એક નાનો ભાગ છે, જે નર્વસ સિસ્ટમ અને હોર્મોન્સ વચ્ચે સંપર્ક જાળવી રાખે છે. શરીરના ધબકારા, તાપમાન, ભૂખ અને તરસ, આપણો મૂડ બધું અહીંથી જ નક્કી થાય છે. હાયપોથેલેમસ આપણા શરીરના વર્તમાન તાપમાનને તપાસે છે અને તેની તુલના બહારના તાપમાન સાથે કરે છે. હવે જ્યારે આવું થાય છે, ત્યારે આપણા શરીરમાંથી ગરમી નીકળી જાય છે અને આપણને ઠંડી લાગે છે.
બધાને સરખી ઠંડી કેમ નથી લાગતી?
કેટલાક લોકોને ઠંડી ઓછી લાગે છે અને કેટલાકને વધુ કેમ લાગે છે તેની પાછળના 5 મોટા વૈજ્ઞાનિક કારણો છે.
1. બેઝિક મેટાબોલિક રેટ: તેનો અર્થ એ છે કે જો વ્યક્તિ શારીરિક રીતે સક્રિય હોય એટલે કે યોગ અથવા કસરત કરતા હોય તો તેને ઠંડી ઓછી લાગે છે. પરંતુ બીજી બાજુ, શારીરિક રીતે નિષ્ક્રિય વ્યક્તિને કસરત કરતી વ્યક્તિ કરતાં વધુ ઠંડી લાગે છે.
તેનું કારણ એ છે કે, શારીરિક રીતે સક્રિય વ્યક્તિના સ્નાયુઓ ઠંડીમા પણ સક્રિય રહે છે અને ઊર્જાનો સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ હોય છે. જેના કારણે શરીરની અંદર ગરમી સતત જળવાઈ રહે છે.
2. શારીરિક ચરબીનું પ્રમાણ – જે લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે તેઓને વધુ ઠંડી લાગે છે. કારણ કે ચરબી ઇન્સ્યુલેટરની જેમ કામ કરે છે, તેથી વધુ ચરબીવાળા લોકો ઠંડા તાપમાન સામે વધુ સારી કુદરતી ઇન્સ્યુલેશન ધરાવે છે.
3. જિનેટિક્સ: તમારા જનીનો પણ ઠંડી અનુભવવામાં ભૂમિકા ભજવે છે. કેટલાક લોકોના શરીર કુદરતી રીતે તાપમાનને વધુ સારી રીતે હેન્ડલ કરે છે, જ્યારે અન્ય લોકો ઠંડા વાતાવરણમાં વધુ ઠંડા થઈ જાય છે.
4. હોર્મોનલ ફેરફારો અને ઉંમરની અસર: પીરિયડ્સ અથવા મેનોપોઝ દરમિયાન, હોર્મોનલ ફેરફારોને કારણે સ્ત્રીઓને વધુ ઠંડી લાગે છે. વધતી જતી ઉંમર સાથે, શરીરની તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા નબળી પડી જાય છે, જેના કારણે વૃદ્ધોને વધુ ઠંડી લાગે છે.
5. રોગો: જે લોકો કોઈપણ રોગથી પીડિત હોય છે તેમને પણ શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે છે. ઉદાહરણ તરીકે, જેઓ હાઈપોથાઈરોઈડિઝમ અને એનિમિયાથી પીડાય છે, તેવા લોકોને વધુ પડતી ઠંડી લાગતી હોવાનું તમે જોશો.
હાઇપોથાઇરોડિઝમ: નબળી થાઇરોઇડ ગ્રંથિ ચયાપચયને ધીમું કરે છે, જેના કારણે વધુ ઠંડી લાગે છે.
એનિમિયા: લોહીમાં આયર્નની ઉણપને કારણે ઓક્સિજનનો પુરવઠો ઓછો થઈ જાય છે, જેના કારણે શરીરમાં ઠંડીનો અનુભવ થાય છે.
આ સ્થિતિમાં, જ્યારે ઠંડીના સંપર્કમાં આવે છે, ત્યારે આંગળીઓ અને અંગૂઠાની ચેતાઓ સંકોચાય છે, જેના કારણે નિષ્ક્રિયતા આવે છે અને ઠંડીનો અનુભવ થાય છે.