Breaking News : 2025ના ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાહેર કર્યું ચોમાસાનું પહેલું પૂર્વાનુમાન, જુઓ Video
ભારતીય હવામાન વિભાગે 2025ના ચોમાસા માટે સકારાત્મક પૂર્વાનુમાન કર્યું છે. સામાન્ય કરતાં 105% (+/- 5%) વરસાદની આગાહી સાથે, આ વર્ષે અલ-નીનો અને આઇઓડી ન્યુટ્રલ રહેવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે 2025ના ચોમાસા માટેનું પહેલું અને સૌથી મોટું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે આશાસ્પદ સમાચાર લઈને આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં વધુ સક્રિય રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે.
વિભાગે જણાવ્યું છે કે 2025માં ભારતભરમાં સરેરાશ વરસાદ 105 ટકા (+/- 5%) રહેવાની શક્યતા છે. આ અર્થતંત્ર, કૃષિ ઉત્પાદન અને પાણીના સ્તર માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. ચોમાસું મજબૂત રહેવાનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે અલનીનો (El Niño) સ્થિતિ ન્યૂટ્રલ રહેવાની સંભાવના છે. અલનીનોના ન્યૂટ્રલ માહોલને કારણે વરસાદી માઉસમે મજબૂત સ્થિતિ ધારણ કરી છે.
સાથે સાથે, ભારતીય મહાસાગર ડીપોલ (IOD) પણ ન્યૂટ્રલ રહેવાનો અંદાજ છે. IODની ન્યૂટ્રલ સ્થિતિ વરસાદના વિતરણમાં સારો સહયોગ આપે છે.
આ રીતે, આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વેળા પર અને સારું ચોમાસું મળશે એવી ધારણા છે. ખેડૂતો પોતાના ખેતીના આયોજનમાં આ માહિતીનો લાભ લઈ શકે છે.
સત્તાવાર અને વૈજ્ઞાનિક માધ્યમથી પ્રાપ્ત થયેલા આ સમાચાર ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધારશે અને કિસાનોએ સમયસર તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે. ચોમાસાની ઋતુ યોગ્ય રીતે માણવા માટે હવે વ્યવસ્થિત આયોજન કરવાની છે જરૂર.
બીજી તરફ ગુજરાતને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે રાજ્ય માટે મહત્વની આગાહી કરી છે. આગામી 7 દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ખાસ કોઈ પલટો નહીં જોવા મળે અને વાતાવરણ સૂકું રહેશે. સાથે સાથે ગરમીમાં પણ વધારો થવાની શક્યતા છે, જેમાં તાપમાન 3થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.
હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે યેલો એલર્ટ જાહેર કર્યો છે અને હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી પણ કરી છે. સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગરમ અને નમીયુક્ત વાતાવરણ રહેશે. હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા ન હોવાને કારણે તાપમાન વધુ અનુભવાશે.
કંડલામાં રાજ્યમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જયારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠા અને દીવમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ અને કચ્છમાં પણ હીટવેવની સ્થિતિ વચ્ચે યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠામાં પણ હીટવેવ રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.