Kam Ni Vaat : યુવાઓને દિલ આપી રહ્યું છે દગો ! બની રહ્યા છે હાર્ટ એટેકના શિકાર, કોણ છે આ દિલનું દુશ્મન, જાણો તમારા કામની વાત

Kam Ni Vaat : યુવાઓને દિલ આપી રહ્યું છે દગો ! બની રહ્યા છે હાર્ટ એટેકના શિકાર, કોણ છે આ દિલનું દુશ્મન, જાણો તમારા કામની વાત

Dipali Barot
| Edited By: | Updated on: Apr 18, 2023 | 3:49 PM

રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે 17થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. જેના માટે અત્યારની લાઈફસ્ટાઈલ અને બીજાથી આગળ નીકળવાની દોડમાં વધતો સ્ટ્રેસ જવાબદાર માની શકાય.

વાત આજે દિલના દુશ્મનની કરવી છે. કારણ કે હવે નાની ઉંમરમાં યુવાઓનું દિલ આપી રહ્યું છે તેમને દગો. હાર્ટ એટેકના (Heart attack) કારણે હવે તો યુવાઓ પણ ભેટી રહ્યા છે મોતને. રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે 17થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. કોઈ રમતા રમતા તો કોઈ નાચતા નાચતા યમધામ પહોંચી ગયા છે. તો ચાલો જાણીએ કામની વાતમાં કોણ છે આ દિલનું દુશ્મન.

આ પરિસ્થિતિ માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. ત્યારે હવે જરૂરી બની ગયું છે દિલને ઓળખવાનું. એવા કયા કારણો છે કે જેના લીધે યુવાઓ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અમે કેટલાક એક્સપર્ટ સાથે વાત કરી તો તેમાં એવું તારણ નીકળ્યું કે અત્યારની લાઈફસ્ટાઈલ અને બીજાથી આગળ નીકળવાની દોડમાં વધતો સ્ટ્રેસ જવાબદાર માની શકાય. તો આ પરિસ્થિતિ વચ્ચે હવે સતર્ક રહેવાની જરૂર છે અને તેના માટે એ જાણવું પડશે કે આપણી કઈ આદતો આપણા દિલને એટલે કે આપણા હદયને નુકસાન કરી રહી છે.

હાર્ટ એટેક માટે જવાબદાર કારણો

  1.  નાની ઉંમરમાં હાર્ટ-એટેકનું મુખ્ય કારણ જંકફૂડ (Junk food)
  2.  હોમમેડ ભોજનને બદલે બહારનું ભોજન આરોગવું
  3.  યુવાઓમાં સ્મોકિંગ (Smoking) અને ડ્રગ્સ (drugs)નું વધતુ પ્રમાણ
  4.  શારીરિક કસરતમાં આળસ
  5.  બેઠાડું જીવન
  6.  કામકાજ અને જવાબદારીઓનો વધતો સ્ટ્રેસ
  7.  રાતના વધતા ઉજાગરા

એક સંશોધન પ્રમાણે આ તમામ કારણો નાની ઉંમરમાં આવતા હાર્ટએટેક માટે જવાબદાર મનાઈ રહ્યા છે. આપણા શરીરમાં રહેલાં હજારો કેમિકલ તેમની લય પ્રમાણે ચાલતાં હોય છે જેને આપણી આ ખરાબ આદતો ડિસ્ટર્બ કરે છે. આ જ કારણે નાની ઉંમરે બ્લડ પ્રેશર (blood pressure) તથા ડાયાબિટીસ (Diabetes) જેવી બીમારી થાય છે. જે છેવટે હાર્ટ એટેકને નોતરે છે.

તમારા માટે તમે એક વ્યક્તિ હશો. પરંતુ તમારા પરિવાર માટે તમે સર્વસ્વ છો. માટે આ આદતો છોડો અને સમયસુચકતા વાપરી સ્વસ્થ થવાની દિશામાં આગળ વધો. તમને પણ તમારું દિલ દગો ના આપે તે માટે જરૂરી છે તેને ઓળખવું. અને તે માટે તેનામાં થતાં ફેરફારને અવગણો નહીં. અને હાર્ટએટેક પહેલાના જે લક્ષણો છે તેને ઓળખી સાવધાન થઈ જાવ. તો જાણી લો તેના લક્ષણો.

હાર્ટ એટેક પહેલાનાં લક્ષણો

અસ્વસ્થ દબાણ સાથે દુખાવો થવો

અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, જો છાતીમાં કંઈક અજુગતું અનુભવાય છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ સિવાય સતત થાક અનુભવવો પણ હૃદયના સ્વાસ્થ્ય માટે સારી વાત નથી મનાતી.

શરીરના અન્ય ભાગોમાં દુખાવો

લોકો માને છે કે હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં દુખાવો થાય, જ્યારે એવું નથી. નિષ્ણાંતોના મતે, જો ધમનીઓમાં કોઈ સમસ્યા હોય તો, શરીરમાં ક્યાંય પણ દુખાવો થવાની નિશાની હાર્ટ એટેક સાથે સંકળાયેલ હોઈ શકે છે.

ચક્કર અથવા થાક

હાર્વડ હેલ્થ પબ્લિશિંગના અહેવાલો અનુસાર, જો કોઈ વ્યક્તિને થાક સિવાય વારંવાર ચક્કર આવે છે, તો તેણે તરત જ તેના હૃદયના સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો કરાવવા જોઈએ.

ઉબકા-ઉલટી

પેટની સમસ્યાઓ, દુખાવો અથવા ઉલટી જેવી લાગણી પણ બગડતા હૃદયની નાદુરસ્તી સૂચવે છે. સ્ટોની બ્રુક મેડિસિન અનુસાર, જો તમને વારંવાર ઉલ્ટી થાય એવું લાગે છે, તો તે દર્શાવે છે કે તમારા હૃદય અને તેની આસપાસના ભાગોમાંથી લોહીની સપ્લાય યોગ્ય રીતે નથી થઈ રહી.

પરસેવો

પરસેવો સામાન્ય છે, પરંતુ જો તે વધુ કે સતત આવતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. આવી સ્થિતિમાં, બ્લડ પ્રેશરનું સ્તર બગડવા લાગે છે અને હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે.

યુવાઓમાં વધતા હાર્ટ એટેકના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. અને એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ વધતા હાર્ટ એટેકના કારણોની તપાસ કરશે. આરોગ્ય વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોરોના બાદ નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.

Published on: Apr 18, 2023 03:48 PM
g clip-path="url(#clip0_868_265)">