MONEY9: શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો? તો જાણી લો ટેક્સના આ નિયમ

મ્યુચ્યુઅલ ફંડમાં લાગતા ટેક્સના નિયમ થોડા જટિલ છે. ઈક્વિટી ફંડ અને ડેટ ફંડમાં રોકાણ કરો, તો અલગ-અલગ નિયમ પ્રમાણે ટેક્સ લાગે છે. આ સિવાય, કેટલા સમયગાળા સુધી રોકાણ કર્યું હશે, તેના આધારે પણ ટેક્સની ગણતરી થાય છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 11, 2022 | 7:24 PM

મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં લાગતા ટેક્સના નિયમ થોડા જટીલ છે. ઈક્વિટી ફંડ અને ડેટ ફંડમાં (equity and debt funds) રોકાણ કરો તો અલગ-અલગ નિયમ પ્રમાણે ટેક્સ લાગે છે. આ સિવાય કેટલા સમયગાળા સુધી રોકાણ કર્યું હશે, તેના આધારે પણ ટેક્સની ગણતરી થાય છે. મુંબઈમાં રહેતાં સમીર શાહ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તેઓ એક શિસ્તબદ્ધ રોકાણકાર છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટેક્સ કેવી રીતે લાગે છે, એ તેમની સમજની બહાર છે. ટેક્સની રીતે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણને એક ફાયદાકારક વિકલ્પ માનવામાં આવે છે. આથી, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનાર વ્યક્તિએ ટેક્સના નિયમોને સમજી લેવા પણ જરૂરી છે. તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના યુનિટ વેચો, માત્ર ત્યારે જ ટેક્સ લાગે છે. 

હવે, સમજીએ કે ઈક્વિટી ફંડ્સમાં રોકાણ પર કેવી રીતે અને કેટલો લાગે છે ટેક્સ? જે ફંડ્સ ઓછામાં ઓછુ 65 ટકા રોકાણ ઈક્વિટીમાં એટલે કે, શેરમાં કરે, તેવા ફંડ્સને ઈક્વિટી ફંડ્સ કહે છે. જો કોઈ ઈક્વિટી ફંડના યુનિટને રોકાણના એક વર્ષ પહેલાં વેચી દેવામાં આવે તો તેના પર મળતાં વળતરને શૉર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ એટલે કે, STCG કહે છે, અને આ રિટર્ન પર 15 ટકાના દરે ટેક્સ અને ચાર ટકા સેસ લાગે છે. સેસ એટલે ટેક્સ ઉપર લાગતો ટેક્સ.

આવી જ રીતે કોઈ ઈક્વિટી ફંડના યુનિટને એક વર્ષ બાદ વેચવામાં આવે તો તેમાં થતાં ફાયદાને લૉન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ એટલે કે, LTCG કહે છે. ઈક્વિટી ફંડ્સમાં લૉન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ થાય તો લમ્પ-સમ 10 ટકા ટેક્સ અને 4 ટકા સેસ લાગે છે. પરંતુ આમાં રાહતની વાત એ છે કે જો એક નાણાકીય વર્ષમાં રોકાણકારને 1 લાખ રૂપિયા કરતાં વધુ લૉન્ગ-ટર્મ કેપિટલ ગેઈન થયો હોય, ત્યારે જ ટેક્સ લાગુ પડે છે. એટલે કે એક લાખ રૂપિયા સુધીનો લૉન્ગ-ટર્મ કેપિટલ ગેઈન થયો હોય તો તે ટેક્સ-ફ્રી છે. 

જો કોઈ ડેટ ફંડના યુનિટને 3 વર્ષની અંદર વેચવામાં આવે ત્યારે શૉર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગે છે. આ ટેક્સ રોકાણકારના ટેક્સ-સ્લેબ અનુસાર ભરવાનો થાય છે. જો 3 વર્ષ પછી ડેટ ફંડના યુનિટ વેચવામાં આવે તો થયેલા પ્રોફિટ પર 20 ટકાના દરે લૉન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ થશે. આમાં ઈન્ડેક્સેશનનો પણ ફાયદો મળે છે, એટલે કે મોંઘવારી સાથે તેને સરભર કરી શકો છો. 

હાઈબ્રીડ ફંડમાં રોકાણ કરીએ તો કેવી રીતે લાગે ટેક્સ?

હાઈબ્રીડ અથવા બેલેન્સ્ડ ફંડ્સમાં કેપિટલ ગેઈન્સ ટેક્સનો આધાર એ વાત પર રહેલો છે કે તેના પોર્ટફોલિયોમાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ કેટલું છે. જો ઈક્વિટીમાં રોકાણ, 65 ટકાથી વધુ હશે તો ફંડ પર કોઈ ઈક્વિટી ફંડની જેમ ટેક્સ લાગશે. જો તેના કરતાં ઓછું રોકાણ હશે તો ડેટ ફંડની જેમ ટેક્સ લાગુ થશે. 

પહેલાં તો રોકાણકારોને મળતાં ડિવિડન્ડ પર ટેક્સ નહોતો લાગતો, કારણ કે કંપનીઓ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ એટલે કે, DDT ચૂકવતી હતી. પરંતુ 2021-22ના બજેટ પછી, મ્યુચ્યુઅલ ફંડ્સના ડિવિડન્ડ પર ટેક્સનો નવો નિયમ અમલી થયો, એટલે હવે, રોકાણકારે તેને મળેલાં ડિવિડન્ડ પર ટેક્સ ભરવો પડે છે.  નવા નિયમ પ્રમાણે રોકાણકારોને મળતું ડિવિડન્ડ તેમની કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ રોકાણકારના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ વસૂલવામાં આવે છે. 

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પર કેવી રીતે લાગે છે ટેક્સ?

SIP પર લાગતા ટેક્સનો આધાર એ વાત પર છે કે રોકાણ ઈક્વિટી ફંડ્સમાં થયું છે, કે નોન-ઈક્વિટી ફંડ્સમાં. બંને માટે નક્કી થયેલા રેટ અનુસાર ટેક્સ લાગે છે.  ટેક્સ માટે SIPનો પ્રત્યેક હપ્તો નવું રોકાણ માનવામાં આવે છે. આવી રીતે, કુલ SIP રોકાણ પર ટેક્સની ગણતરી માટે પ્રત્યેક હપ્તા પર લાગતાં ટેક્સનો સરવાળો થાય છે. 

મની નાઈનની સલાહ

તાજેતરના વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ્સને લગતા ટેક્સના નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. આથી, રોકાણ કરતી વખતે આ નિયમોને પણ ધ્યાનમાં રાખો. ઈક્વિટીમાં એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો પ્રોફિટ કરમુક્ત હોય છે, એટલે તેનો મહત્તમ ફાયદો મેળવવાની રણનીતિ બનાવો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">