ભાજપ હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ : સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી
રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. તો વિરોધીઓને ચેતવણીવાળા નિવેદન પર રાજેશ ચુડાસમાએ ફેરવી તોળતા કહ્યું કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે કહ્યું હતું. નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો.

ગીર સોમનાથના પ્રાચીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા તેમને હું મુકવાનો નથી. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે હું હિસાબ કરીશ. મને હરાવવા ઘણા પરિબળો કામ કરતા હતા તેનો હિસાબ થશે.
જો કે, આ મામલે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે ચુંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ભગા બારડ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર વેરાવળના ધારાસભ્ય ભગા બારડના મતવિસ્તારમાંથી જ રાજેશ ચુડાસમાના મત તુટ્યા હોવાનો હીરા જોટવાએ દાવો કર્યો હતો. ભગા બારડને સીધે સીધુ ન કહી શકતા રાજેશ ચુડાસમાએ આ રીતે બળાપો કાઢ્યો હોવાનો હીરા જોડવાએ દાવો કર્યો છે.
તો કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ભગવાનજી બારડે મને દીકરાની જેમ મદદ કરી છે એટલે એમના વિરોધમાં બોલવાની તો કોઈ વાત જ નથી. તો વિરોધીઓને ચેતવણીવાળા નિવેદન પર રાજેશ ચુડાસમાએ ફેરવી તોળતા કહ્યું કે, જે લોકો રાજકારણમાં ન હોય અને પોતાના કામ માટે આવતા હોય તેના માટે કહ્યું હતું. નિવેદન પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો.