વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મામલે મોટા સમાચાર, હાઈકોર્ટના આદેશ બાદ નક્કી કરાઈ વળતરની રકમ- Video
વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ મૃતકોના સ્વજનોને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રકમ પણ નથી મળી.આજે આ કેસમાં વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા આખરે હાઈકોર્ટના આદેશ મુજબ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે.
વડોદરાનો એ ગોજારો હરણી બોટકાંડ. જેમા 2 શિક્ષિક અને 12 માસૂમોના બોટ પલટી જવાથી મોત થયા હતા. આ બોટકાંડના પીડિતોને એક વર્ષ બાદ પણ ન્યાય નથી મળ્યો. ન્યાય માટે પરિજનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આજરોજ આ પીડિતોને મળનારા વળતરની રકમ જાહેર કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ મુજબ નાયબ કલેક્ટરે રકમ નક્કી કરી છે. જેમા બાળકના પરિજન દીઠ 31.75 લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે. બે મૃતક શિક્ષિકાઓને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજાર વળતર ચુકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.
12 બાળકો અને 2 શિક્ષિકાના થયા હતા મોત
શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે આજથી એક વર્ષ અગાઉ 18 જાન્યુઆરી 2024ના રોજ લઇ જવામાં આવ્યા હતા. બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડી દેવાતા આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. વડોદરાના આ કાળા દિવસને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે 14 જીવ ગુમાવનાર પરિજનોના ન્યાયની માંગ આજે પણ સંતોષાઈ નથી, પોતાના વ્હાલસોયા સંતાનને યાદ કરીને માતા-પિતા તથા સ્વજનોની આંખમાં આજે પણ આંસુ આવી જાય છે.
એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો
18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છતાં મૃતકોનાં પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રૂજી જાય છે.