VIDEO : જોશીમઠની જેમ ગુજરાતના દરિયાકાંઠાના શહેરો પર મંડરાઇ રહ્યું છે જોખમ, ISRO ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ સહિત ગુજરાતના દરિયા કિનારાના શહેરોને લઇ ઇસરોએ ડરામણો રિપોર્ટ રજૂ કર્યો છે. માત્ર જોશીમઠમાં જ જમીન ધસવાનો ખતરો નથી. પરંતુ દરિયાકાંઠે વસેલા શહેરોની જમીન પણ ધસી શકે છે.
જોશીમઠની જેમ ગુજરાતના દરિયાકાંઠાના શહેરો પર જોખમ પણ મંડરાઇ રહ્યું છે, કારણ કે દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોની જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના દરિયા કિનારાના શહેરોને લઇ ઇસરોએ ડરામણો રિપોર્ટ રજૂ કર્યો છે. માત્ર જોશીમઠમાં જ જમીન ધસવાનો ખતરો નથી. પરંતુ દરિયાકાંઠે વસેલા શહેરોની જમીન પણ ધસી શકે છે. ઇસરો સ્પેસ એપ્લીકેશન સેન્ટરના એક રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના દરિયાકાંઠાના અનેક શહેરની જમીન ધસી જશે કે ડૂબી જશે તેવો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો તટ સ્થિર છે, પરંતુ 110 કિલોમીટરનો તટ કપાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના અનેક ગામ પર ખતરો મંડરાઇ રહ્યો છે. તો ઉમરગામ તાલુકાના 15 હજાર લોકોના જીવન અને વ્યવસાય ખતરામાં છે.
ગુજરાતને ચાર રિસ્ક જોનમાં વહેચવામાં આવ્યું
ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઇતિહાસનો અભ્યાસ કરાયો છે. ગુજરાતને ચાર રિસ્ક જોનમાં વહેચવામાં આવ્યું છે. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જોખમની શ્રેણીમાં છે. જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. 16માંથી દરિયાકાંઠાના 10 જિલ્લામાં જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. કચ્છ, જામનગર, ભરૂચ, વલસાડ અને નવસારી સહિતના શહેરોમાં જોખમ છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે સતત વધી રહેલા દરિયાનું જળસ્તર અને જળવાયું પરિવર્તન જમીન ધસવા પાછળ જવાબદાર છે. દરિયાઇ ધોવાણને કારણે ગુજરાતે અત્યાર સુધી 313 હેક્ટર જમીન ગુમાવી છે.