ગુજરાતમાં આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. ઉનાળાની શરુઆતમાં જ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આકરા તાપમાં શાળાએ જતા બાળકોને લુ લાગવાની અને બીમાર પડવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં વધી રહેલી ગરમીને લઈને શૈક્ષિક મહાસંઘે પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા માટે માગ કરી છે. શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ સચિવને પત્ર લખીને આ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઉનાળાની શરુઆતમાં જ અગન ગોળા વરસી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા 11 અને 12 માર્ચ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે બપોરના સમયમાં શાળાએ જતા પ્રાથમિક શાળાના બાળકોને ગરમીમાં લૂ લાગવાની શક્યતા છે. ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે. જેથી ગુજરાતના શૈક્ષિક મહાસંઘે બાળકોને ગરમીમાં લૂ ન લાગે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. શાળામા સમય સવારનો કરવામાં આવે તેવી શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.