પ્રેમલગ્નના વિવાદ વચ્ચે સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક, જ્યોતિર્નાથબાપુએ ગણાવી વાહિયાત ટિપ્પણી- જુઓ Video
પ્રેમલગ્નના વિવાદમાં હવે સંતોએ પણ ઝંપલાવ્યુ છે. સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી હરિપ્રકાશદાસ એ તો લગ્ન વ્યવસ્થા પર જ વિવાદી નિવેદન આપ્યુ છે. જેની પ્રતિક્રિયા રૂપે જ્યોતિર્નાથબાપુએ તેની કડક શબ્દોમાં નિંદા કરી છે અને શ્રોતાગણમાંથી તાળીઓ પાડતા લોકો સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
પ્રેમલગ્નના વિવાદમાં હવે સંતોએ પણ ઝંપલાવ્યુ છે. સારંગપુરના કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી હરિપ્રકાશદાસજીએ લગ્ન વ્યવસ્થા પર ભદ્દી ટીખળ કરી છે. તેમણે કહ્યુ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો ભેદ બતાવતા લગ્ન વ્યવસ્થાને ફાંસો ખાવા સાથે સરખામણી કરી. સ્વામીએ જણાવ્યુ કે લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો અને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ફાંસો ખાવો,
હાલ હરિપ્રકાશદાસ સ્વામીના આવા બે વીડિયો વાયરલ થયા છે. જેમા તેમણે હજારો શ્રોતાઓની હાજરીમાં લગ્ન પ્રથા પર સાવ નીચલા સ્તરની ટીખળ કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રેમ જેવા પવિત્ર બંધનને લઈને પણ ટીખળ કરી કે આજનો પ્રેમ કેવો છે, સ્કૂલ કોલેજમાં છોકરો છોકરી મળી જાય તો પહેલા પ્રેમમાં પડે પછી વ્હેમમાં પડે અને પછી બંને ભેગા થઈને ડેમમાં પડે છે. આટલેથી ન અટક્તા તેમણે કહ્યુ સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા. આ પ્રકારની હલકી કક્ષાની ટીખળ તેમણે લગ્ન વ્યવસ્થા સામે કરી.
“સંસારના રથના બે પૈડા છે- હરીપ્રકાશે શાસ્ત્રોની ઠેકડી ઉડાડી!”- જ્યોતિર્નાથ બાપુ
આ જ્યોતિર્નાથ બાપુએ તેમની આ ટિપ્પણીને એકદમ વાહિયાત કક્ષાની ગણાવી. તેમણે કહ્યુ કે કે તેઓ શું સાબિત કરવા માગે છે. સૃષ્ટિના સર્જનહારની વાતોની ઠેકડી ઉડાડવાની વાતો છે. તેમણે કહ્યુ રામ થી લઈને ભગવાન શ્રીકૃષ્ણ બધાએ લગ્ન કર્યા હતા. જેના નામે રોટલા ખાવ છો, તેમના જીવન ચરિત્ર પર પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ઠેકડી ઉડાડો છો. આ ચલાવી લેવામાં નહીં આવે, આ બાબતે વિરોધ પણ થશ. જ્યોતિર્નાથ બાપુએ શ્રોતાઓની માનસિક્તા સામે પણ સવાલ ઉઠાવ્યા કે આવી ટીખળ સાંભળીને શ્રોતાઓ તાળીઓ પાડે અને હસી કાઢે તે યોગ્ય નથી. સંસારના રથના બે પૈડા છે, તેવુ શાસ્ત્રોમાં લખેલુ છે, નર-નારાયણીની વાતો આપણા શાસ્ત્રોમાં લખેલી છે. આ વાતોના કંઈક રહસ્યો છે. તેની ઠેકડી ઉડાડવામાં આવી છે તે જરાય ચલાવી લેવામાં નહીં આવે. આ સાથે તેમણે કહ્યુ આ બધુ બહુ થયુ હવે આ લોકોને પદાર્થપાઠની જરૂર છે.
જ્યોતિર્નાથ બાપુએ શું કહ્યુ- જુઓ વીડિયો