પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના, કહ્યુ જ્યાં દીકરીને જીવવાનો અધિકાર નથી તેવા સમાજમાં ભગવાન દીકરી ન આપે
આંતરજ્ઞાતિય લગ્નને કારણે ચર્ચામાં આવેલી ગુજરાતી ગાયિકા આરતી સાંગાણીએ પાટીદાર સમાજને કેટલાક સણસણતા સવાલો કર્યા છે. મૂળ પાટીદાર સમાજની દીકરી આરતીએ તબલા વાદક દેવાંગ ગોહેલને જીવનસાથી તરીકે પસંદગી કરતા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા તેના ભારે ટીકા કરવામાં આવી રહી છે અને તેના પર ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે આરતીની પસંદગી પર સવાલ ઉઠાવનારા તમામને તેમણે કેટલાક સવાલ કર્યા છે અને તેમની વેદના પણ સમાજ સમક્ષ વ્યક્ત કરી છે.
ગુજરાતી ગાયિકા આરતી સાંગાણીએ તેની પસંદગીના યુવક દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કરવાનો નિર્ણય કર્યો તો પાટીદાર સમાજ માંથે જાણે આભ તૂટી પડ્યુ હોય તેમ તેના પર ટીકાઓનો મારો વરસાવવામાં આવી રહ્યો છે. ત્યારે આરતી સાંગાણીએ રડતા રડતા તેની વેદના વ્યક્ત કરી અને પાટીદાર સમાજના અગ્રણીઓ સામ પણ તેના પિતા પર પ્રેશર લાવવાનો આરોપ મુક્યો છે.
પટેલ સમાજના યુવકો અન્ય જ્ઞાતિની દીકરી લઈ આવે છે ત્યારે કેમ બહિષ્કાર નથી થતો?
આરતીએ જણાવ્યુ કે મને કંઈ બોલવુ નથી પરંતુ પાટીદાર સમાજ મને મોં માં આંગળા નાખીને બોલાવી છે. જે લોકોને કંઈ વાતની જ ખબર નથી તેઓ મનઘડંત વાતો કરી રહ્યા છે. આજે સોશિયલ મીડિયા પર લોકોને બસ એક કામ મળી ગયુ છે. આરતીએ કહ્યુ મારા નિર્ણયમાં મે કોઈને અંધારામાં રાખ્યા નથી. મારુ અને દેવાંગના ફેમિલી મળ્યુ હતુ. મારા પિતાએ મારા માથા પર હાથ મુકીને કહ્યુ હતુ કે તુ ખુશ રહે. હું તને અપનાવીશ નહીં પરંતુ તને ક્યારેય આડે નહીં આવુ. તો બીજી તરફ આરતીએ તેના જ સમાજના બની બેસેલા ઠેકેદારોને સવાલ કર્યો છે કે ના તો હું એવી પહેલી દીકરી છુ કે ના તો એવી છેલ્લી દીકરી છુ જેણે લવમેરેજ કર્યા હોય તો માત્રને માત્ર મને જ કેમ ચર્ચાનો વિષય બનાવવામાં આવી રહી છે? પટેલ સમાજના અનેક એવા યુવકો પણ છે જે અન્ય સમાજની દીકરીઓ સાથે લગ્ન કરે છે તો ત્યારે કેમ તેમને કોઈ સવાલ કરવામાં નથી આવતા? ત્યારે કેમ કોઈનો બહિષ્કાર કરવામાં નથી આવતો? આરતીએ કહ્યુ કે આ તે કેવો સમાજ છે કે જ્યાં દીકરી મરજી મુજબનો જીવનસાથી પણ પસંદ કરી ન શકે?
દીકરી મરી-મરીને જીવે એ પોસાશે પરંતુ ખુશીથી જીવન જીવે એ નહીં- આરતી સાંગાણી
સમાજના ઠેકેદારોન આરતીએ સવાલ કર્યો કે પટેલ સમાજના દીકરા સાથે દીકરી લગ્ન કરે પછી કદાચ એ દુ:ખી થાય તો ત્યારે તો તેને કોઈ પૂછવાય જતુ નથી. દીકરી મરી જાય એ પોસાય અને દીકરી મરી મરીને જીવે એ પોસાય છે પરંતુ દીકરી ખુશીથી જીવન જીવે એ કોઈનાથી જોવાતુ નથી. આજે હું ખુશ છુ એ દુનિયાથી જોવાતુ નથી. આરતીએ સમાજના બની બેસેલા ઠેકેદારોને ટકોર કરી કે તમારા ઘરે પણ દીકરી છે અને જીવનમાં દીકરીઓ આવશે એ વાત ન ભૂલવી જોઈએ. તમારી ઘરેથી દીકરી જશે તેની વેદના ત્યારે જ તમને ખબર પડશે.
કોરોના સમયે ડૉક્ટરની જાત પૂછીને ઈલાજ નહોંતા કરાવતા, તો હવે કેમ જાતિને વચ્ચે લાવો છો?- આરતી સાંગાણી
આરતીએ સવાલ કર્યો કોરોના મહામારી સમયે તમે ડૉક્ટરની જાત પૂછીને ઈલાજ કરાવ્યો હતો. લોહીનો રંગ પણ જૂદો નથી તો આપણે જાતિ વિરોધ કરવાવાળા કોણ છીએ. જ્યા સુધી મે તમારા સમાજની માન મર્યાદા રાખી, પિતાની આમન્યા જાળવી, રમવાની ઉમરે કામ કર્યુ, રાત-રાત ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગી. આજે જ્યારે હું મોટી થઈ છુ અને મારા માટે મે કંઈક વિચાર્યુ છે તો હું બધાને ડાકણ જેવી લાગી છ, આ તો કેવો સમાજ છે તમારો? આજે હું મંગળસૂત્ર પહેરુ છુ તો પણ વાંધો છે. આજે પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન થાય છે ત્યાં જઈને વિરોધ કરોને?
હું જે જ્ઞાતિમાંથી આવી તે પણ નીચી નથી અને જે જ્ઞાતિમાં ગઈ તે પણ નીચી નથી- આરતી સાંગાણી
આરતીની ટીકા કરી રહેલા લોકોને તેમણે સ્પષ્ટ જણાવ્યુ કે હું ચર્ચા કરવાનો વિષય નથી અને હું જે જ્ઞાતિમાંથી આવુ છે તે પણ નીચી નથી અને જે જ્ઞાતિમાં ગઈ છુ તે પણ નીચી નથી. મારા પપ્પાને તમે લોકોએ પ્રેશર આપ્યુ અને એ વાતના પુરાવા પણ છે, બસ હું બોલતી નથી અને બોલુ છુ તો ખોટુ નથી બોલતી. પરંતુ તમે સ્વીકારી નથી શક્તા એ જ ફર્ક છે.
આજે મારા જીવનને સમાજે પોતાનું જીવન સમજી લીધુ છે- આરતી સાંગાણી
આરતીના નિર્ણયની ટીકા કરનારાને આરતીએ સવાલ કર્યો કે સમાજના પ્રેશરમાં આવીને જો હું આત્મહત્યા કરી લઉ છું તો શું સમાજ મારા પિતાને જવાબ આપશે? મારા જીવનને આજે તમે તમારુ જીવન સમજી લીધુ છે, હું હસવી પણ ન જોઈએ અને બોલવી પણ જોઈએ. તમે કહો ત્યાં મારે પરણવુ જોઈએ અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવુ જોઈએ. આના કરતા તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે અને આવા સમાજમાં તો દીકરી ન જ આપે. જ્યા દીકરીને જીવન જીવવાનો પણ કોઈ અધિકાર નથી રહેવા દીધો. તમને એવુ લાગે છે કે મે મારા પપ્પાનું નથી જોયુ પરંતુ તમે પહેલા ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી પ્રેમથી કહી કે કે મને અહીં પરણાવો. આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી તો મને સમાજનું તો કોઈ દુ:ખ નથી.
આરતીએ સુજ્ઞ લોકોને કહ્યુ ઘરમાં એવો માહોલ બાંધો કે દીકરી તમને સામેથી કહી શકે- આરતી સાંગાણી
આરતીએ પોતાના પરિવાર સામે પણ ઊભરો ઠાલવ્યો છે કે મને એવુ હતુ કે મારુ ઘર મને અપનાવશે. જ્યાં સુધી મે સમાજ માટે ગીતો ગાયા ત્યાં સુધી બધાને હું વહાલી લાગી, ત્યાં સુધી મારા જેવુ કોઈ સારુ નહોંતુ, મારા ઘરમાં એવો માહોલ નથી એટલે મારે આ પગલુ ભરવુ પડ્યુ છે. આરતીએ સમાજના સુજ્ઞ લોકોને પણ સલાહ આપી કે જેટલા સમજે છે એમને કહુ છુ કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. આરતીએ કહ્યુ કે પ્રેમ કરવો એ ગુનો નથી, જો મારા પિતાનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છુ અને મારુ પણ દિલ દુભાયુ છે. આજે આખા સમાજે મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે, હું પટેલ સમાજમાં ગઈ હોત અને એ મને હેરાન કરત તો હોત પટેલ સમાજ આવત મારી વહારે? કેટલીય દીકરીઓ એવી છે જે પટેલ સમાજમાં પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો.
મારો જીવન આખી દુનિયાનું જીવન નથી- આરતી સાંગાણી
પ્રેમલગ્નને ચર્ચાનો વિષય બનાવનારને પણ આરતીએ લીધા આડે હાથ લેતા કહ્યુ હું ખુશ છું, આ મારું જીવન છે આખી દુનિયાનું નથી, દરેક વ્યક્તિનું પોતાનું જીવમ હોય છે, મને તો એવુ લાગે છે કે મારું જીવન સમાજનું જીવન થઈ ગયું છે. આવી ઉમ્મીદ પટેલ સમાજથી મને ન હતી. બની શકે તો કોઈ દીકરીને આવી રીતે હેરાન ન કરતા, તમારા ઘરે પણ દીકરી છે.