Gujarat Election: કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ, વડોદરાની માંજલપુર બેઠક પર તસવીન સિંઘનું નામ જાહેર થતા વિખવાદ

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં (Congress) કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. વડોદરામાં માંજલપુર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસમાં વિવાદનો વંટોળ શરૂ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 5:33 PM

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. વડોદરામાં માંજલપુર બેઠક પર તસવીન સિંઘનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસમાં વિવાદનો વંટોળ શરૂ થયો છે. ઉમેદવારની ભૂમિકા અંગે ખુદ કોંગ્રેસના સિનિયર નેતાઓ અજાણ છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું, ઉમેદવાર અંગે મને વધારે ખબર નથી. જયારે માંજલપુર બેઠક અંગે મીડિયાએ તીખા સવાલો કરતા શહેર જિલ્લા પ્રભારી પંકજ પટેલ અકળાયા હતા. મીડિયાને કહ્યું આડાઅવળા સવાલો નહીં કરવાના. જોકે પત્રકારોએ વિરોધ નોંધાવતા શહેર પ્રમુખે મીડિયાની માફી માગી હતી.

બીજી તરફ મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામને લઈ કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો છે. કડીના સેનમા સમાજના લોકોએ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલયે પહોંચીને વિરોધ કર્યો છે. અતિ પછાત 12 જ્ઞાતિઓનું સેનમા સમાજને સમર્થન છે. ત્યારે કડીમાં કોંગ્રેસે પ્રવીણ પરમારને ટિકિટ આપતા વિરોધનો સુર સામે આવ્યો છે.

1 કરોડ રૂપિયામાં કડીની બેઠક અપાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવાર બદલવાની માગ સાથે કોંગ્રેસ પર દબાણ વધારવાનો સેનમાં સમાજે પ્રયાસ કર્યો છે અને નરેશ સોલંકી અને બાબુ મકવાણામાંથી કોઈ એકને ટિકિટ આપવાની માગ કરી છે. મહત્વનું છે કે, કડી વિધાનાભામાં સેનમા સમાજના 20 હજારથી વધુ મતદાતાઓ છે.

આ સિવાય મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પી.એમ. પટેલનો વિરોધ થયો. પી.એમ. પટેલને ટિકિટ અપાશે તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી લડાવીશું તેવી ચીમકી ઉચ્ચારી. તો આ તરફ કચ્છ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ પડ્યું. ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું છે. તો દાહોદના ઝાલોદમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. કોંગ્રેસે ઉમેદવાર ન બદલતા 2000થી વધુ કાર્યકરોએ રાજીનામું આપ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">