વડોદરામાં અનેક રસ્તાઓ પર ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય, બેરિકેડ મુકી સંતોષ માનતી મનપા- Video
વડોદરામાં અનેક રસ્તાઓ પર ખાડા અને ભુવાનું સામ્રાજ્ય છે. મનપા કમિશનરે 31 મે સુધીમાં પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી પરંતુ વડોદરામાં હજુ અનેક સ્થળે ભુવા અને ખાડાના સમારકામની કામગીરી પૂર્ણ થઈ નથી.
ચોમાસુ આવે એટલે બધે હરખ હોય પરંતુ વડોદરામાં ચિંતા કારણ કે દર વર્ષે વડોદરામાં પુરનો પ્રકોપ જોવા મળે છે. વડોદરાવાસીઓ માટે ચોમાસુ પડકારરૂપ વિતે છે. મનપા દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ વરસાદ આવે એટલે કામગીરીની પોલ ખુલી જાય છે. આ વર્ષે પણ મનપા કમિશનરે 31 મે સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી પરંતુ વડોદરામાં હજુ અનેક સ્થળે રસ્તા, ભુવા અને ખાડાના સમારકામની કામગીરી પૂર્ણ નથી થઈ.
દર વર્ષે પ્રિ-મોન્સુનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ બાદમાં ચોમાસામાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળે છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને દાવો કર્યો કે. 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જ્યાં રસ્તાઓની કામગીરી ચાલે છે. ત્યાં બેરિકેડ મુકવામાં આવશે જેથી રાહદારીઓને તકલીફ ન પડે.
વડોદરામાં ઉત્તર ઝોનમા આવેલા સમા અબાકસ સર્કલ પાસે છેલ્લા કેટલાય દિવસોથી મસમોટો ભૂવો પડ્યો છે પરંતુ આજદિન સુધી તેના પૂરાણની કોઈ જ કામગીરી કરવામાં નથી આવી. ન માત્ર આ વિસ્તાર અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છે. ઠેર-ઠેર રસ્તાઓ પર વર્ક ઈન પ્રોગ્રેસના બેરિકેડ્સ લગાવેલા છે. સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરી લેવાની હોય છે, પરંતુ વડોદરા શહેરના રસ્તાઓને જોતા તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ન માત્ર ઉત્તર ઝોન, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ ઝોન આ તમામ વિસ્તારોમાં પ્રિમોન્સુનની કામગીરી કેટલા અંશે પૂર્ણ થઈ છે તે ઠેર ઠેર લાગેલા વર્ક ઈન પ્રોગ્રેસના બેનરો પરથી જ જોઈ શકાય છે.