ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રિઝનમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સાથેસાથે, થંડર સ્ટ્રોમ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
પાકિસ્તાન પર સ્થિર થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ ઈન્ડ્યુસ સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, ઉત્તર પાકિસ્તાનથી લઈને મધ્ય પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલ ટર્ફના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે 27મી ડિસેમ્બર અને આવતીકાલ 28મી ડિસેમ્બરના રોજ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ વરસશે. વરસાદની સાથેસાથે સામાન્ય કરતા વધુ ઝડપે પવન ફૂંકાવવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ગઈકાલ ગુરુવાર મોડી રાત્રીથી હવામાનમાં પલટો આવેલ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તો આકાશ વાદળછાયુ રહેવા પામ્યું હતું. જો કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે લધુત્તમ તાપમાનનો પારો ઉચકાયો હોવાથી ગત સપ્તાહ સુધી અનુભવાયેલ ઠંડીનો પ્રકોપ હળવો થયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈન્ડ્યુસ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં હિમવર્ષા થવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.