ધોરાજીની વર્ષો જુની દૂષિત પાણી આવવાની સમસ્યાનો નથી આવતો કોઈ ઉકેલ, કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગીથી ત્રાહિમામ સ્થાનિકો- Video
ધોરાજીમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે. અહીંની વર્ષો જુની દુષિત પાણી આવવાની સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. શહેરીજનો રજૂઆત કરી કરીને થાક્યા પરંતુ તંત્ર કુંભકર્ણની નીંદ્રામાં સૂતેલુ છે. આટલુ ઓછુ હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે પણ સ્થાનિકોને 7 થી 8 દિવસે પાણી મળે છે. પાણીની કાયમી સમસ્યાથી સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે.
એક લાખની વસતી ધરાવતા ધોરાજીમાં પાણીની સમસ્યા વિકટ બની છે. ધોરાજી શહેરમાં 7થી 8 દિવસે એકવાર પાણીનું વિતરણ થાય છે. આકરા ઉનાળામાં સપ્તાહમાં એકવાર પાણી વિતરણ અને એ પાણી પણ પ્રદૂષિત આવે છે. નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી કરીને સ્થાનિકોની જીભના કૂચા વળી ગયા પરંતુ તંત્રના કાને જાણે કોઈ રજૂઆત પહોંચતી જ ન હોય તેમ કોઈ પગલા લેવાયા નથી. એક તો પાણીની અછત છે અને જ્યારે પાણી મળે છે ત્યારે એ દૂષિત પાણી મળે છે. કાળા દૂષિત પાણીના કારણે સ્થાનિકોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે.
ધોરાજી નગરપાલિકામાં હાલ તો વહીવટદારનું શાસન છે અને અધિકારીઓની બહાનાબાજી અને બાબુઓના રાજમાં જનતાના પાયાના પ્રશ્નોનું નિરાકરણ રહી જાય છે. બીજી તરફ ધોરાજી ભાજપના પ્રમુખે પણ પાણી માટે રજૂઆત કરવાની ફરજ પડી છે. આ તરફ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપના શાસનમાં ભાજપના નેતાઓએ પણ પાણી માટે રજૂઆત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ધોરાજીમાં છેલ્લા કેટલાય સમયથી પુરતુ પાણી નથી મળી રહ્યુ. પાણી વિતરણમાં ઠાગા ઠૈયા સામે આવ્યા છે. નળમાંથી અવારનવાર પ્રદૂષિત પાણી આવે છે. શહેરનો પાણીનો ફિલ્ટર પ્લાન શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. આ બધી જ નિષ્ફળતાના કારણે આકરા ઉનાળામાં પણ રહીશો સંઘર્ષ કરી રહ્યા છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યુ તો તેઓ પણ સરકારી જવાબ આપી રહ્યા છે કે કામ પ્રગતિમાં છે અને જલ્દી નિરાકરણ આવશે. ત્યારે આ જલ્દી એટલે ક્યારે તેનો કોઈ જવાબ નથી.
આ પણ વાંચો: જુનાગઢના શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ સ્વામીને કેટલાક લોકોએ માર્યો માર, વ્યભિચારનો લગાવ્યો આરોપ- Video