Loksabha Election 2024 : લોકસભા માટે ભાજપના 8 અને કોંગ્રેસના 4 ઉમેદવાર આજે ફોર્મ ભરશે, વિધાનસભા બેઠકના 2 ઉમેદવાર નામાંકન કરશે
આજનો દિવસ પ્રચારના પડઘમથી ગુંજી ઉઠશે. જો ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો આજે લોકસભા માટેના 8 જેટલા ભાજપનાં ઉમેદવાર આજે નામાંકન ભરશે. જ્યારે વાઘોડિયાની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જ ઉમેદવારી ફોર્મ ભરાશે.
Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીના રણસંગ્રામનું રણશીંગુ ફુંકાઇ ગયું છે, ઉમેદવારો પોતાની જીત માટે આજે ઉમેદવારી પત્ર ભરશે.. ભાજપ અને કૉંગ્રેસ ગુજરાતની બેઠકો અંકે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.. આજે કેટલાક નેતાઓ રેલી અને સભા યોજી શક્તિ પ્રદર્શન કરશે.
લોકસભા માટે ભાજપના 8 ઉમેદવાર ફોર્મ ભરશે
આજનો દિવસ પ્રચારના પડઘમથી ગુંજી ઉઠશે. જો ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો આજે લોકસભા માટેના 8 જેટલા ભાજપનાં ઉમેદવાર આજે નામાંકન ભરશે. જ્યારે વાઘોડિયાની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જ ઉમેદવારી ફોર્મ ભરાશે.
મનસુખ માંડવિયા આજે ફોર્મ ભરશે
ભાજપના લોકસભા ઉમેદવારોની વાત કરીએ તો આજે અમદાવાદ પુર્વ બેઠકથી હસમુખ પટેલ, જ્યારે સુરેન્દ્રનગર બેઠકથી ચંદુ શિહોરા ઉમેદવારીનું ફોર્મ ભરશે. પંચમહાલ બેઠકથી રાજપાલસિંહ જાદવ નામાંકન ભરશે, પરંતુ જે બેઠક પર સૌની નજર છે તેવી હાઇ પ્રોફાઇલ પોરબંદર બેઠક પર દેશના આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા ઉમેદવારી નોંધાવશે.
તેમની સાથે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડિયા પણ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. જે બેઠક પર ચોપાંખિયો જંગ સર્જાવાની શક્યતા છે, તેવી ભરૂચ બેઠકથી સાંસદ મનસુખ વસાવા સાતમીવાર ઉમેદવારી નોંધાવશે. તો વલસાડથી ધવલ પટેલ, દમણથી લાલુ પટેલ, દાહોદથી જશવંતસિંહ ભાભોર નામાંકન ભરશે. ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ભરશે.
કોંગ્રેસના 4 ઉમેદવાર ફોર્મ ભરશે
હવે વાત કરીએ કોંગ્રેસની તો બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર નામાંકન ભરશે. જ્યારે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા પણ આજે જ ઉમેદવારી પત્ર ભરશે. જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવશે.