બારડોલી લૂંટ કેસમાં નવો વળાંક, આમ આદમી પાર્ટીએ દિલ્હીથી પૈસા મોકલ્યા હોવાનો ખૂલાસો
Surat: બારડોલીમાં કારના કાચ તોડી લાખો રૂપિયા ભરેલી બેગની ચિલઝડપ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. દિલ્હીથી આમ આદમી પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી માટે પૈસા મોકલ્યા હોવાનો ખૂલાસો થયો છે.
એક બાદ એક વિવાદમાં ફસાઇ રહેલી આમ આદમી પાર્ટી વધુ એક વિવાદમાં ફસાઇ છે. વીડિયો વિવાદ બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) ની નાણાની હેરાફેરી મુદ્દે મુશ્કેલી વધી શકે છે. સુરતના બારડોલી (Bardoli) માં સરદાર ચોકમાં પાર્ક કરેલી કારમાંથી લાખોની લૂંટ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્લીથી (Delhi) આમ આદમી પાર્ટીએ બારડોલી AAPના ઉમેદવારને ચૂંટણી માટે રૂપિયા મોકલ્યા હોવાનો ખૂલાસો થયો છે. . મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીએ દિલ્લીથી આંગડિયા મારફતે 45થી 50 લાખ રૂપિયા મોકલ્યાં હતા. AAPના ઉમેદવાર ચૂંટણીમાં ખર્ચ કરી શકે તે માટે આંગડિયા મારફતે રૂપિયા મોકલવામાં આવ્યાં હતા.
યુવાને પીછો કરતા સમયે વીડિયો રેકોર્ડ કર્યો
જો કે આંગડિયામાંથી રૂપિયા લઈને જતા હતા ત્યારે લૂંટારૂ લૂંટ કરીને ફરાર થયા હતા, પરંતુ તે સમયે ત્યાંથી મોટર સાઈકલ પર પસાર થતા આદિલ અઝીઝભાઈ મેમણ નામના યુવાને બુમાબુમ સાંભળી ચિલઝડપ કરનારા બાઈક ચાલકનો પીછો કર્યો હતો. લગભગ દોઢ કિલોમીટર સુધી તેમણે તે યુવાનોનો પીછો કર્યો હતો અને પીછો કરતા સમયે ચોર ચોરની બુમ મારતા ચિલઝડપ કરનાર બંને લોકો ગભરાયા હતા. પકડાઈ જવાના ડરથી લૂંટારૂઓ આર.ટી.ઓ નજીક લાખોની મત્તા ભરેલી બેગ ફેંકીને ફરાર થઇ ગયા હતા. આદિલ નામના યુવાને પીછો કરતા સમયે આખો વીડિયો પોતાના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં શૂટ કર્યો હતો. જે વીડિયોમાં બે ઇસમોએ પોતાના મોઢા પર માસ્ક પહેરેલું હતુ. બાદમાં યુવકે રૂપિયા ભરેલી બેગ પોલીસને સોંપી હતી. આ સમગ્ર લૂંટ અંગે ઈન્કમટેક્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
