નડિયાદમાં MGVCLની ગંભીર બેદરકારી, ચંપા તલાવવડી પાસે પડ્યા છે ખુલ્લા વીજ વાયરો- Video
નડિયાડના ચંપા તલાવડી પાસે આંગણવાડી નજીક ખુલ્લા પડેલા જીવતા વીજ વાયરોને કારણે બાળકો ગંભીર જોખમમાં છે. MGVCLની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આંગણવાડી સંચાલક અને સુપરવાઇઝર બંનેએ GEBને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે.
નડિયાદમાં આવેલી ચંપા તલાવડી પાસે એક આંગણવાડી છે. અહીં ફુલ જેવા બાળકો જીવતા વાયર વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે. જો કોઇ દિવસ બાળક રમતા રમતા વીજ ડીપી પાસે પહોંચી જશે તો કોઇનો વ્હાલસોયો કારણ વિના કાળનો કોળિયો બની જશે.
નડિયાદ મહાનગર પાલિકામાં MGVCLની ગંભીર બેદરકારી જોવા મળી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચંપા તલાવડી પાસે વીજ વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. જોવાની વાત એ છે કે વીજ dp પાસે જ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે. બાળકો પોતાની મોજ મસ્તીમાં હોય છે. સમગ્ર મામલે આંગણવાડી કેન્દ્ર સંચાલકને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેઓ આ મુદ્દે પહેલા બોલવા તૈયાર ન હતા પરંતુ પછી તેમણે પોતાની જવાબદારી ન હોવાનું કહી છટકવાનો પ્રયાસ કર્યો.
તો અમે સુપરવાઇઝર સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે GEBને અગાઉ જાણ કરી હતી. પરંતુ તેમણે કામ કર્યું નથી. ત્યારે અમે ફરી જાણ કરી છે.
હાલ તો એકબીજાને ખો આપવામાં આવી રહી છે. આશા રાખીએ કે ઝડપથી આ અંગે MGVCL ત્વરીત કાર્યવાહી કરે જેથી ભુલકાઓના માથે ઝળુંબતું જોખમ ટળી જાય.