Junagadh : જુનાગઢના જંગલ વિસ્તારમાં વિસ્તારમાં તમે ડાલામથ્થાને લટાર મારતા ચોક્કસ જોયા હશે, હાલ જ્યારે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, ત્યારે પાણીની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં પણ નજરે ચડી જતા હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં એક સિંહ વિલીંગ્ડન ડેમમાં પાણી પીને ડેમના કિનારે આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે.
થોડા દિવસો અગાઉ જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં આવેલી દરગાહ પર બે સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા.મહત્વનું છે કે ગીરનાર જંગલ વિસ્તારમાં 40 થી 50 સિંહોનો વસવાટ છે. ત્યારે અવાર નવાર સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ક્યારેક સિંહ વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં, ક્યારેક રોડ પર તો ક્યારેક ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.
તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. ત્યારે સિંહોની રહેણાંક વિસ્તારમાં અવરજવરના બનાવોમાં પણ વધારો થયો છે. રાજુલા બાદ ખાંભાના રહેણાંક વિસ્તારમાં પણ સિંહ આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. થોડા દિવસો અગાઉ ખાંભા શહેરમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી.