રાજુલાના કોવાયા ગામમાં સિંહોએ જમાવ્યો અડીંગો, રાત્રિના સમયે ચાર સિંહોએ મળીને આખલાને દોડાવ્યો- જુઓ Video
રાજુલાના કોવાયામાં તેનું સામ્રાજ્ય જમાવ્યું છે અને રોજ એક પછી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોવાયા ગામે સિંહોના આંટાફેરા વધ્યા છે. જેનાથી ગામલોકોમાં ભય ફેલાયો છે. રોજ રાત્રે ગામમાં ધામા નાખતા અવનવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
રાજુલા પંથકમાં હાલ સિંહોના બે અલગ-અલગ વીડિયો વાયરલ છે. જેમાંથી એક વીડિયો “કોવાયા”નો છે. રસ્તા પર સિંહોનું સામ્રાજ્ય જામ્યું હોય તેવાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોવાયામાં ઈકોમ્પલેક્સ પાસે પાંચ સાવજ આંટાફેરાં કરતાં કેમેરામાં કેદ થયા છે. વહેલી સવારે એક સાથે પાંચ સાવજ એકાએક રોડ પર આવી જતા વાહન ચાલકો પણ થંભી ગયા હતા.
કંઈક આવી જ ઘટના પીપાવાવ પોર્ટ પાસે રાત્રિના સમયે બની હતી. 4 સાવજ અહીં શિકાર કરવા પહોંચ્યા હતા. સામે આખલો આવી જતા સાવજે તેનો શિકાર તો ન કર્યો પરંતુ, તેની પાછળ ભાગીને તેને ભગાડી મૂક્યો.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસોથી રાજુલા પંથકમાંથી સિંહના એવાં વીડિયો સામે આવી રહ્યા છે કે જે સામાન્ય લોકોને ડરાવી રહ્યા છે. ખાસ તો રાજુલાનું “કોવાયા” ગામ સાવજને એવું ગોઠી ગયું છે કે ત્યાં રખડતા શ્વાનોની જેમ “રખડતા સાવજ” જોવા મળી રહ્યા છે. કહેવત તો એવી છે કે સિંહોના ટોળા ન હોય. પરંતુ, અહીં તો સિંહોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે સાવજના આંટાફેરાં પણ વધી ગયા છે. એટલું જ નહીં સાવજ લોકોના ઘરના દરવાજા સુધી પણ પહોંચી ચુક્યા છે અને એટલે જ સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
Input Credit- Jaydev Kathi- Amreli