Gujarati Video: કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓને પાણી માટે નહીં કરવી પડે રઝળપાટ, ધ્રાંગધ્રા પાસે આવેલા ઘુડખર અભયારણ્યમાં 90 પાણીના પોઈન્ટ બનાવાયા
Surendranagar: હવે વન્ય પ્રાણીઓ અને વનના રાજા સિંહોને કાળઝાળ ગરમીમાં પાણી માટે ક્યાંય રઝળપાટ નહીં કરવી પડે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં જ 500 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નજીક આવેલા અભયારણ્યમાં પણ 90 પાણીના અવેડા બનાવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની આસપાસ ઘુડખર અભ્યારણ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કચ્છના નાના રણમાં 43 ડિગ્રી આસપાસ ગરમી પડતા ઘુડખર, લોમડી, ઝરખ ગરમીથી પરેશાન છે. ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા 90 જેટલા પાણીના અવેડા બનાવાયા છે. વન વિભાગનો સ્ટાફ નિયમિત અવેડામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડે છે. વન્ય પ્રાણીઓ પાણી વગર રઝળીને ન મરે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ઉનાળાની આકરી ગરમીમાં માણસોની સાથે જંગલી પ્રાણીઓ પર આકુળ-વ્યાકુળ થઈ જાય છે. આકરા તાપમાં ગીર જંગલમાં વહેતા ઝરણા અને કુદરતી પાણીના સ્ત્રોત સૂકાઈ જાય છે. વન વિભાગ જંગલી પ્રાણીઓએ કોઈ રઝળપાટ ન કરવી પડે તે માટે સતર્ક છે. એક ફેબ્રુઆરીથી જંગલ વિસ્તારમાં 500 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે તો કેટલાક સ્થળે પવન ચક્કી અને સોલારથી ટાંકા દ્વારા પાણીના કુંડા ભરવામાં આવે છે.
આ પણ વાંચો: Railway News : સુરેન્દ્રનગર યાર્ડ ખાતે 8 મેના રોજ એન્જિનિયરિંગ બ્લોકના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
સૂર્યનારાયણના રૌદ્ર સ્વરૂપ વચ્ચે સિંહ અને અન્ય પ્રાણીઓના વર્તનમાં પણ મોટાપાયે ફેરફાર થતા હોય છે. જંગલનો રાજા સિંહ સવાર અને સાંજે ઠંડકના સમયે જ ફરતા જોવા મળે છે. જ્યારે બપોરે ગરમીથી બચવા છાંયાવાળા વિસ્તારમાં બેસી રહેવાનું વધુ પસંદ કરે છે. ઉનાળામાં સિંહ ભોજન પણ ઓછું લેતો હોય છે. ત્યારે જંગલના રાજાને પાણી માટે તડકામાં રઝળપાટ ન કરવી પડે તેનુ વનવિભાગ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે અને કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવી દેવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…