જગતનો તાત કહેવાતો ખેડૂત આખું વર્ષ પરિશ્રમ કરીને અને લોહીનું પાણી કરીને ધરતીમાંથી સોનુ પકવે છે. પરંતુ આ વખતે પણ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં પણ અનેક ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો પાયમાલ થયા છે.
બનાસકાંઠામાં પાક તો તૈયાર હતો, પરંતુ માવઠું આવતા તમામ પાકને નુકસાન થયું છે. ખેતી પાકમાં ઘઉં હોય કે પછી રાયડો હોય અથવા તો પછી એરંડો હોય કે પછી જીરુ. આ સિઝનના તમામ પાક પાણી પાણી થતા ખેડૂતોની આંખો પણ પાણી પાણી જ છે. બનાસકાંઠામાં ત્રણ વાર કમોસમી વરસાદે તમામ પાકનો નાશ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાવા જેટલા પણ ઘઉં બચ્યા નથી. એટલે જગતનો તાત હવે સરકાર તરફ સહાયની રાહ જોઈને બેઠો છે.
છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો પર સંકટના જ વાદળ હતા, તેમા પણ ગઈકાલે દાંતીવાડા, ધાનેરા, ડીસા, પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામમાં વરસાદ વરસ્યો. આ વરસાદે જે માંડ માંડ બચેલો પાક હતો, તેનો પણ નાશ કરી નાખ્યો. મોટાપાયે ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું. તેનાથી આખું વર્ષ જીવન નિર્વાહ કરવાની આશા હતી, પરંતુ માવઠાએ એવો ઘાત આપ્યો કે ધરતીપુત્ર બેસહારા થઈ ગયો છે. તેના માટે એકમાત્ર આશા સરકારની સહાય છે. જેનાથી થોડી મદદ મળી રહે.
મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. અમદાવાદ, વિરમગામના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માવઠું મોટી મુસીબત બન્યું છે. શનિવારની મોડી સાંજે ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો.જેથી વિરમગામ અને માંડલ તાલુકાના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભો પાક નષ્ટ થયો છે. વરસાદથી કપાસ, ઘઉં, અજમો, ઇસબગુલ, એરંડા, જીરૂ સહિતના પાકને માઠી અસર થઈ છે.