તાપી જિલ્લાની ભાજપ સંચાલિત વ્યારા નગરપાલિકામાં વેરા વધારાના નિર્ણયને પગલે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. વેરા વધારાના નિર્ણય સામે ભાજપના જ બે સભ્યોએ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે. સામાન્ય સભામાં પ્રજા પર વધારાનો તોતિંગ વેરો નાંખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનો વિરોધ ભાજપના જ બે કોર્પોરેટરે કર્યો છે. ભાજપ સભ્ય સંજય સોની અને નિમિષા તરસાડીયાએ તોતિંગ વેરા વધારા સામે શાસકોને લેખિતમાં વાંધા અરજી આપી છે અને આ નિર્ણય રદ કરવાની માગ કરી છે.
મહત્વનું છે કે પાલિકાએ આગામી દિવસોમાં રહેણાંક માટે પાણીવેરો 600ને બદલે રૂ.1500, રોશનીવેરો રૂ.100ને બદલે રૂ.300, સફાઇ વેરો 200ને 500, ખાસ સફાઇ વેરો 75ને બદલે 150 કરવાની વિચારણા કરી રહી છે. નગરપાલિકાએ એકાએક વધારો કરતા લોકો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.
નોંધનીય છે કે વ્યારા નગર પાલિકા કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે અગાઉ નાગરિકોની ફરિયાદ હતી કે તાપી જિલ્લામાં મીંઢોળા નદી ઉપર બનાવેલા રિવર ફ્રન્ટ ઉપર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. મીંઢોળા નદીમાં ઠેર ઠેર લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય પથરાયું હતું તેના કારણે નાગરિકોએ મચ્છર અને દુર્ગંધની ફરિયાદ કરી હતી.
તાપી જિલ્લામાં વ્યારા સુગર મિલમાં ખેડૂતો આમરણાંત ઉપવાસે ઉપર બેઠા હતા. મિલના ખેડૂત સભાસદો દ્વારા અપાયેલી શેરડીના રૂપિયા ખેડૂતોને પરત ન મળતા ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા. આ ઘટનામાં પોલીસે આગેવાનો સહિત ખેડૂતોની ધરપકડ કરી હતી.