Gujarati Video : ધોરાજીમાં ઘઉંના પાકમાં કાળિયા નામના રોગે કાળો કહેર વર્તાવ્યો, ઘઉંના ઉત્પાદન પર 50 ટકા ઘટ આવતા ખેડૂતો ચિંતામાં
રાજકોટના (Rajkot) ધોરાજીમાં વાતાવરણમાં સતત ફેર પલટાને કારણે ખેડૂતોએ મહા મહેનતે વાવેલા ઘઉંના પાકમાં રોગચાળો આવી જતા ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
સતત ત્રણ વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. કયારેક માવઠાના રૂપમાં તો ક્યારેક અતિવૃષ્ટિના રૂપમાં, તો ક્યારેક વાવાઝોડાના રૂપમાં આવેલી કુદરતી આફતોથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. રાજકોટના ધોરાજીમાં વાતાવરણમાં સતત ફેર પલટાને કારણે ખેડૂતોએ મહા મહેનતે વાવેલા ઘઉંના પાકમાં રોગચાળો આવી જતા ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
જીવાત અને ઈયળનું ઉપદ્રવ વધ્યું
માવઠાના માર સામે ફરી એક વાર જગતનો તાત લાચાર બન્યો છે. રાજકોટના ધોરાજીમાં તૈયાર થયેલા ઘઉંના પાકમાં કાળિયા નામના રોગે કાળો કહેર વર્તાવ્યો છે. કમોસમી વરસાદથી જમીનમાં ભેજના કારણે જીવાત અને ઈયળનું ઉપદ્રવ વધ્યું છે. જેથી ઘઉંનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. કાળિયા નામના રોગથી ઘઉંનો અમુક દાણો ખરી જાય છે. તો અમુક દાણો વૃદ્ધિ કરી શકતો નથી.
ઘઉંમાં રોગ હોવાથી ખેડૂતોને ઘઉંના ઉત્પાદન પર 50 ટકા ઘટ આવશે. ધોરાજીના ખેડૂતોએ સારા ભાવની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. મોંઘા ભાવના બિયારણ, દવા અને મજૂરી ખર્ચ સહિત ખેડૂતોએ એક વીઘા દીઠ 6થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે કુદરત રૂઠતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જશે.
કૃષિ નિષ્ણાંતોએ પણ ઘઉંના પાકમાં રોગચાળો હોવાની વાતનો સ્વીકાર કર્યો. કહ્યું, હાલ ઘઉંના પાકમાં ભયંકર રોગચાળો છે. પાકને બચાવવા માટે કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને સલાહ આપી હતી. ઘઉંના પાકમાં સમયસર દવાનો છંટકાવ કરવો જોઈએ અને વાદળછાયા વાતાવરણમાં પિયત નહીં આપવાની ખેડૂતોને અપીલ કરી હતી.