ગુજરાતના વડોદરામાં દંતેશ્વરની 100 કરોડના જમીન કૌભાંડ કેસમાં ક્રાઇમ બ્રાંચે 4 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચાર્જશીટમાં જેલમાં બંધ મુખ્ય સુત્રધાર સંજય અને તેની પત્ની વિરૂદ્ધ ચાર્જશીટ બાકી છે. જ્યારે ચાર્જશીટમાં હસ્તાક્ષર, સિટી સર્વે રિપોર્ટ, જૂના દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ચાર્જશીટમાં કુલ 75થી વધુ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. જ્યારે આ સ્કીમમાં મકાન ખરીદનારના 27 દસ્તાવેજ કરાવનારાઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. દંતેશ્વર ની 100 કરોડ થી વધુની જમીન હડપ કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1700 વધુ પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન ઓળવી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે આદેશ કર્યો છે. ટૂંકા સમયગાળામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી થતાં ભૂમાફિયાઓમાં સોપો પડી ગયો છે.
ખોટો દસ્તાવેજોના આધારે છેલ્લા ત્રણ દાયકાથી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખી રહેલા આ ભૂમાફિયાની કરમકુંડળી વડોદરા શહેર પ્રાંત અધિકારીની ફેરણી દરમિયાન ધ્યાને આવી હતી. તલાટીના સામાન્ય દફતર તપાસણી દરમિયાન દંતેશ્વરના સર્વે નંબર ૫૪૧માં આકાર પામનારા કાનન વિલા ૧ અને ૨નું કૌભાંડ ધ્યાને આવ્યું હતું.
આ પણ વાંચો : Gujarat: ઔદ્યોગિક રાજ્યના 104 તાલુકાઓમાં GIDC નહીં, GIDC આપવાનું સરકારનું કોઇ આયોજન પણ નહીં