Gujarati Video: કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈનું નિવેદન, માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે, ઉચ્ચ ન્યાયાલયમાંથી રાહત મળવાની વ્યક્ત કરી આશા
Surat: સેશન્સ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના જામીનદાર અને કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ જણાવ્યુ કે તેઓ હવે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે અને તેમને આશા છે કે ઉચ્ચ ન્યાયાલય તરફથી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ચોક્કસ રાહત મળશે.
મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીને સંભળાવાયેલી બે વર્ષની સજા પર સ્ટેની અરજીને સેશન્સ કોર્ટે ફગાવી છે. ત્યારે રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રહેશે. આ કેસમાં રાહુલ ગાંધી હવે તેમને થયલી બે વર્ષની સજાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
શું કહ્યુ રાહુલ ગાંધીના જામીનદાર નૈષધ દેસાઈએ?
સેશન્સ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના જામીનદાર અને કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ ગુજરાત હાઈકોર્ટમાં જવાની વાત કરી. રાહુલ ગાંધીને હાઈકોર્ટ તરફથી રાહત મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી. તેમણે કહ્યુ સેશન્સ કોર્ટના ઓર્ડરમાં સજા પર સ્ટે ન મુકવા અંગેનું કોઈ કારણ આપવામાં આવ્યુ નથી. વધુમાં નૈષદ દેસાઈએ જણાવ્યુ કે સેશન્સ કોર્ટના ચુકાદાની કોપી સાથે આવતીકાલે (21.04.23) હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે.
શબ્દોની બદનક્ષી પર દુનિયાની કોઈ અદાલતે બે વર્ષની સજા ફટકારી નથી- નૈષધ દેસાઈ
વધુમાં તેમણે જણાવ્યુ કે બદનક્ષીના કેસમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. શબ્દોની માનહાનિ વ્યક્તિ પર થયેલી હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીમાં મોદી સમાજની, મોદી સરનેમની કે OBC સમાજની કોઈ ટીકા ન હતી. ટીકા માત્ર વડાપ્રધાન પર કરવામાં આવી હતી અને તે પણ જાહેર રેલી દરમિયાન કરેલી હતી. વધુમાં નૈષધ દેસાઈએ જણાવ્યુ કે શબ્દોની બદનક્ષી પર આજ સુધી દુનિયાની કોઈ અદાલતે બે વર્ષની સજા ફટકારી નથી.
ચીફ જ્યુડિશ્યલ કોર્ટના હુકમ બાદ 12 કલાકમાં લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા. જો સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની સ્ટે અરજી ગ્રાહ્ય રાખી હોત તો સ્પીકરનો ઓર્ડર ઓટોમેટિક કેન્સલ થતો અને રાહુલ ગાંધી ફરી લોકસભામાં બેસી શક્તા.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…