Breaking News: ગુજરાતમાં 6 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં ગરમી વચ્ચે સાંજે વરસશે ‘મેઘરાજા’
ગુજરાતમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે અને આગામી દિવસોમાં લોકોને ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે. વાતાવરણમાં એકસાથે 3 જુદી જુદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યમાં જુદી જુદી 3 સિસ્ટમ એક્ટિવ થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થવાને લીધે આગામી 6 દિવસ સુધી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગઈકાલે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં વરસાદ પડ્યો હતો.
જો અલગ-અલગ જિલ્લાઓની વાત કરીએ તો, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પવન સાથે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે અરવલ્લી અને મહીસાગરમાં કરા સાથે પણ વરસાદ પડી શકે છે. આ સિવાય નર્મદા, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, આજે સાંજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
